class 9 to 12 27 hours of education per week is compulsory
(istockphoto)

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધો.11 અને 12ના ઇતિહાસ અને પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાંથી ઇસ્લામિક સામ્રાજ્યો, શીતયુદ્ધ, બિન જોડાણવાદી આંદોલન, મુગલ દરબારો અંગેના પ્રકરણો દૂર કર્યા છે. ધો.10ના અભ્યાસક્રમમાંથી અન્ન સુરક્ષા અંગેના ચેપ્ટરમાંથી કૃષિ પર વૈશ્વિકરણની અસર અંગેનો ટોપિક પડતો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વર્ષે ફૈઝ અહેમદ ફૈઝની બે ઉર્દૂ કવિતાને પણ દૂર કરવામાં આવી છે. અભ્યાસક્રમમાં આ ફેરફારથી અગાઉની જેમ આ વખતે પણ વિવાદ ઊભો થવાની શક્યતા છે.

CBSEએ ‘લોકશાહી અને વિવિધતા’ અંગેના કોર્સ કન્ટેન્ટ ચેપ્ટર્સને પણ ગાયબ કરી દીધા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમની સુયોજનના ભાગરૂપે આ ફેરફાર થયા છે અને તે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની ભલામણો મુજબ છે.

ધો.11ના ઇતિહાસના પુસ્તકમાં ‘સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ’ ચેપ્ટર પડતું મૂકવામાં આવ્યું છે, જે આફ્રો- એશિયાના દેશોમાં ઇસ્લામિક સામ્રાજ્યના ઉદભવ તથા તેની અર્થતંત્ર અને સમાજ પરની અસર અંગેની માહિતી છે.

એ જ રીતે ધો.12ના ઇતિહાસના પુસ્તકમાંથી ‘મુગલ દરબારઃ ઘટનાક્રમ મારફત ઇતિહાસની પુનઃરચના’ નામનું પ્રકરણ દૂર કરાયું છે, જે મુગલ દરબારો તથા મુગલોના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસની માહિતી આપે છે.
આ નવો અભ્યાસક્રમ 2022-23ના શૈક્ષણિક સત્ર માટે સ્કૂલોને મોકલવામાં આવ્યો છે. આ સિલેબસમાં બોર્ડના એવા નિર્ણયનો પણ સંકેત આપવામાં આવ્યો છે કે ગયા વર્ષેની બે ટર્મ એક્ઝામને બદલે એક સેશનમાં એક જ બોર્ડ એક્ઝામ થશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એક વખતના વિશેષ પગલાં તરીકે બે ટર્મ એક્ઝામની જાહેરાત થઈ હતી. બોર્ડના અધિકારીઓએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે અંતિમ નિર્ણય કરવામાં આવશે.

સીબીએસઇ ધો.9થી 12 માટે અભ્યાસક્રમ પૂરો પાડે છે. જેમાં શૈક્ષણિક સામગ્રી, પ્રેક્ટિસ, એસેસમેન્ટ ગાઇડલાઇન્સ વગેરેનો સમાવેશ થાય છે.સીબીએસઇએ દાયકાઓથી અભ્યાસક્રમનો ભાગ રહેલા કેટલાંક પ્રકરણ પડતા મૂક્યા હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. 2020માં ધો.11ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી ફેડરાલિઝમ, સિટિજનશીપ અને સેક્યુલાઝિમના પ્રકરણ પડતા મૂક્યા હતા. તેનાથી વિવાદ ઊભો થયો છે.