મણિપુરમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાના મામલાની તપાસ હવે ભારત સરકારની એજન્સી સીબીઆઇને સોંપવામાં આવી છે. મણિપુર હિંસા સાથે સંકળાયેલા વધુ પાંચ ગંભીર કેસોની તપાસ અગાઉથી જ સીબીઆઈને સોંપવામાં આવી છે.
આ કેસ પણ મણિપુરના સ્થાને આસામમાં ચાલશે. સરકારના ટોચના અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વંશીય હિંસાથી પ્રભાવિત રાજ્યમાં તમામ જઘન્ય ગુનાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડાશે નહીં.
મણિપુરની મહિલાઓઓના આ અંગેના વીડિયોથી ભારે વિવાદ થયા પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાનો વીડિયો બનાવનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હોવાથી વીડિયો લીક સહિતની ઘટનાઓનો ક્રમ પણ બહાર આવશે.
મણિપુરની બહાર ટ્રાયલ યોજવા માટે સરકાર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જાય તેવી પણ શક્યતા છે. ગૃહ મંત્રાલય મૈતેઇ અને કુકી બંને સમુદાયોના સાથે સંપર્કમાં છે અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ચર્ચા થઇ રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ મહિના સુધી ચાલેલી વંશીય હિંસામાં લગભગ 150 લોકોના મોત થયા છે.