જમ્મુ અને કાશ્મીરના વીમા કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલીકને પૂછપરછ માટે બોલાવ્યા છે. સાત મહિનામાં બીજી વખત કેન્દ્રીય તપાસ એજન્સી તેમની પૂછપરછ કરશે. અગાઉ ઓક્ટોબરમાં પૂછપરછ કરાઈ હતી. આ વીમા કૌભાંડ જમ્મુ અને કાશ્મીરના સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ સંબંધિત છે.
સત્યપાલ મલીક બિહાર, જમ્મુ અને કાશ્મીર, ગોવા અને છેલ્લે મેઘાલયમાં રાજ્યપાલ તરીકે કામ કરી ચુક્યા છે. મલીકે જણાવ્યું હતું કે સીબીઆઈએ ચોક્કસ સ્પષ્ટતાઓ માટે એજન્સીના અકબર રોડ ગેસ્ટહાઉસમાં હાજર થવા માટે કહ્યું છે. તેઓ કેટલીક સ્પષ્ટતા મેળવવા માગે છે અને તે માટે મારી હાજરી પણ ઇચ્છે છે. હું રાજસ્થાન જઈ રહ્યો છું. તેથી મે 26થી 29 એપ્રિલની તારીખો આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ સાથે સંબંધિત રૂ.2,200 કરોડના કોન્ટ્રાક્ટમાં મલીકે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોના સંદર્ભમાં સીબીઆઇએ બે એફઆઈઆર દાખલ કરેલી છે.
મલિકે 31 ઓગસ્ટ 2018ના રોજ સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલની બેઠકમાં આ સ્કીમની ફાઇલને મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે. આ સ્કીમને પછીથી રદ કરાઈ હતી. FIRમાં જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીર સરકારના નાણા વિભાગના અજાણ્યા અધિકારીઓએ, ટ્રિનિટી રિઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની અને અન્ય અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓ સાથે કાવતરું ઘડીને અને સાંઠગાંઠથી તેમના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાઓ આચર્યા છે. તેનાથી 2017 અને 2018માં આરોપીને લાભ થયો હતો અને સરકારને નુકસાન થયું હતું.