પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડો. યુવા અય્‍યર , આયુર્વેદિક ફિઝિ‌શિયન

હ્રદયરોગનો જેટલો મોટો ડર જનમાનસમાં છે, એટલી જ હ્રદયરોગ માટે જાણકારી પણ સામાન્ય માણસો ધરાવતા થઈ ગયાં છે. આજથી ત્રણ-ચાર દાયકા પહેલાં હ્રદયરોગ, હાર્ટએટેક જેવી સમસ્યાઓ માટે સામાન્ય માણસ વિચારતો નહીં. જ્યારે કોઈ પરિચિત કે સગાંને આવાં કોઈ રોગની સારવાર કરાવવાની થાય ત્યારે થોડીઘણી માહિતી મેળવતા. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી જે રીતે કાર્ડિએક એરેસ્ટ, હાર્ટએટેક અને હ્રદય સબંધિત તકલીફોનો વ્યાપ વધ્યો છે, ખાસ તો યુવાન અને શારીરિક રીતે તંદુરસ્ત અને સક્રિય લોકોમાં પણ હાર્ટએટેકની ઘટનાઓ વધતી જોવા મળે છે, ત્યારે આવું કેમ થતું હશે? કસરત કરી, જીમમાં જઈ ફિટનેસ જાળવતાં, ડાયેટ માટે ખૂબ ધ્યાન રાખતાં સેલેબ્રિટીસ, સ્પોર્ટસમેન વગેરેને પણ હ્રદયરોગનાં સકંજામાં ફસાતા જોઈ સામાન્ય માણસ તે વીશે ચિંતિત બને તે સહજ છે.

સ્ત્રીઓમાં હ્રદય રોગનું વધતું પ્રમાણ!

હ્રદયરોગ માટે એવી માન્યતા છે કે તે પુરુષોને જ થતો રોગ છે. સ્ત્રીઓને હ્રદયરોગ થતો નથી. પરંતુ આ માન્યતા જે રીતે સ્ત્રીઓમાં હ્રદયરોગનાં વધતાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, તે જોતાં જાણે ખોટી પડી રહી છે. મેડિકલ સાયન્સમાં એવું અનુમાન, અભ્યાસ અને તારણ ચોક્કસ જોવા મળે છે કે સ્ત્રીઓના સેક્સ હોર્મોન્સ ખાસ કરીને ઈસ્ટ્રોજન અંત:સ્ત્રાવનાં પ્રભાવને કારણે હ્રદયની ધમનીઓમાં લોહી, પ્લેક જમા થવાની સમસ્યાથી સ્ત્રીને સુરક્ષા મળે છે. આ ઉપરાંત અન્ય લાઈફસ્ટાઈલ વગેરે કારણોને પરિણામે સ્ત્રીઓમાં હ્રદયરોગનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હતું.

આધુનિક યુગમાં સ્ત્રીઓ કુટુંબની જવાબદારી, આર્થિક જવાબદારી, વ્યવસાયની જવાબદારી વગેરે અનેક સ્તરે પોતાની આવડત, ક્ષમતા અને જરૂરિયાતની પૂર્તિ માટે પુરુષોની સાથે ખભ્ભે ખભ્ભો મિલાવીને ઉપાડી રહી છે. સમાજમાં થતાં બદલાવ અને સ્ત્રીઓના વ્યક્તિ સ્વાતંત્ર્ય, સ્વાભિમાન અને સ્વનિર્ભરતા જેવાં ઘણાં સકારાત્મક કારણોને લઈને ઘર ઉપરાંત ઘર બહારની જવાબદારી સ્ત્રીઓ સ્વબળે મનમરજીથી ઉપાડી રહી છે. આ પરિસ્થિતિમાં હવે જે જાતિગત માત્ર ઘર-બાળકોની જવાબદારી પૂરતી જ માર્યાદિત ચિંતાઓ, સંઘર્ષોની સીમા નથી રહી. પુરુષોની માફક સ્ત્રીઓને અંગત, વ્યાવસાયિક, કુટુંબની જવાબદારી અને રોજબરોજના વિવિધ સંજોગોની સાથે સતત ઝઝૂમવું પડે છે. મોટાભાગનાં મેટાબોલિક ડિસોર્ડરથી થતાં રોગ જેવાકે બ્લડપ્રેશર, ડાયાબિટીશ, ઓબેસિટી, હ્રદયરોગ વગેરેમાં મૂખ્ય કારણ ભલે મેટાબોલિઝમ અયોગ્ય રીતે થવાથી હોર્મોન્સ, એન્ઝાઈમ્સ અને બીજી શરીરની જૈવરાસાયણિક ક્રિયાઓમાં અનિયમિતતા થવી એ મૂખ્ય કારણ જણાવવામાં આવે છે. પરંતુ આવી નાની-મોટી શારીરિક અક્ષમતાઓ અને ક્ષતિઓ તો ઘણાં બધાની સાથે થતી હોય છે, તો કેમ તેમાંના થોડાં વ્યક્તિઓ જ રોગનો શિકાર બનતાં હોય છે?

રોગનો શિકાર થવાનાં મૂખ્ય કારણોઃ

આ બાબતને સામાન્ય રીતે સમજવી હોય તો એવું કહી શકાય કે બંદુકમાં ગોળી ભરેલી હોય, ટ્રીગર ખેંચાય અને જો ઘોડો દબાવવામાં આવે તો ફાયરીંગ થાય !
દરેકના શરીરમાં પ્રાકૃતિક રીતે અમુક નબળાઈ હોય, જેનેટિક કારણોથી પણ શરીરનાં અમુક અવયવો નબળાં હોય એવી પરિસ્થિતિમાં ગન લોડેડ છે એવું કહેવાય. પરંતુ જ્યારે રોજબરોજનાં જીવનમાં અનિયમિત ઊંઘ, વધુ પડતો સ્ટ્રેસ, ગુસ્સો, ચિંતા જેવાં મનનાં નકારાત્મક ભાવ, વધુ પડતાં ખાંડ, સેચ્યુરેટેડ ફેટ, મસાલાવાળા માત્ર સ્વાદને જ ધ્યાનમાં રાખી ખવાતાં ખોરાક અને વ્યવસાય-કમાણી-અભ્યાસ જેવી રોજબરોજની પ્રવૃત્તિમાં જ એટલો સંઘર્ષ કરવાની ટેવ હોય કે શારીરિક કસરત, પ્રાણાયામ, યોગાસન કે પછી માત્ર આનંદ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ જેવી શરીર-મન અને અંત:કરણની તંદુરસ્તી માટે તો કશું થતું જ ન હોય ! આ પરિસ્થિતિ ભરેલી બંદુકનું ટ્રીગર ખેંચવાનું કામ કરે છે. ગુજરાતીમાં કહેવત છે; ‘પડતાં ને પાટું વાગવું’ માણસ પડી રહ્યો હોય અને કોઈ પાટું મારે તો વધુ જોરથી પડે. એવી જ રીતે જેનેટિકલી શારીરિક-માનસિક નબળાઈ હોય, શરીરનાં મહત્વનાં અવયવો લિવર, કિડની, હ્રદય વગેરેની નબળાઈ હોય અને લાઈફ સ્ટાઈલ જ્યારે અનહેલ્ધિ (ઊંઘ, ખોરાક, આરામ, મનોરંજનમાં અનિયમિતતા) હોય ત્યારે રોગનો શિકાર બની જવાય છે.

• આરોગ્ય માટે – આહાર અને વિચાર બન્ને આરોગ્યપ્રદ હોવા જરૂરી છે.
હ્રદયરોગથી બચવા માટે નિયમિત ચાલવું જોઈએ. વજન સપ્રમાણ રાખવું જોઈએ. બ્લડ રિપોર્ટ નિયમિત કરાવતા રહેવું જોઈએ, જેથી કોલેસ્ટેરોલ ખાસ તો LDLનું પ્રમાણ ૭૦ કે ૧૦૦ થી વધુ ન હોય HDLનું પ્રમાણ યોગ્ય હોય, HbalC – એવરેજ બ્લડ સુગરનું પ્રમાણ નોર્મલ હોય અને બ્લડપ્રેશર ૧૩૦/૮૦ MMHg થી વધુ ન હોય આવી બધી જ સામાન્ય મેડિકલ તકેદારી સૂચવવામાં આવે છે.
જે માટે યોગ્ય તબીબી સલાહ અને પરિક્ષણથી સાવચેતી રાખી શકાય. પરંતુ નિયમિત ચેકઅપ કરાવતા, જીમમાં જતાં, કસરત કરતાં ફિટનેસનું ધ્યાન રાખવા છતાંપણ હ્રદયરોગ જેવી વ્યાધિ કેમ વળગી જતી હશે ?
આ પ્રશ્નને આયુર્વેદનાં દ્રષ્ટિકોણથી સમજીએ અને જે કાંઈપણ તબીબી વિજ્ઞાન કહે છે, તે બધી સાવચેતી ઉપરાંત શરીર, મન અને આત્માનાં સંયોગને આરોગ્ય માટે ધ્યાનમાં રાખી સૂચવવામાં આવતાં આયુર્વેદિય સિધ્ધાંતોને જડમૂળથી સમજીએ તો જ રોગને દૂર રાખી શકાય.
હ્રદયરોગનાં કારણો વીશે આયુર્વેદ શું કહે છે. તે જાણવા જેવું છે.
ચરક સંહિતામાં જણાવ્યાનુસાર,
‘વ્યાયામ તીક્ષ્ણ અતિ વિરેક વસ્તિ ચિન્તા ભય ત્રાસ મદાભિચારાહા. રછર્ધામ સન્ધારણ કર્ષણાનિ હ્રદ્ રોગ
કર્તુંણિ તથા અભિઘાતહ.’

અતિ ઉષ્ણ વિર્યવાળા ખોરાક, અતિગુરૂ – પચવામાં ભારે ખોરાક, અતિ ખાટા, અતિ તુરા, અતિ કડવાં ખોરાક, અતિશય શ્રમ, અભિઘાત – શારીરિક અને માનસિક આઘાત, અધ્યશન – આગળનો ખાધેલો ખોરાક પચ્યાં પહેલાં ફરીથી ખાવું, અતિ મૈથુન, વધુ પડતું વિચાર્યા કરવું, સ્ટ્રેસ-એન્ઝાયટી, વેગવિધારણ – ઉલટી, ઝાડો-મૂત્ર, ભૂખ-ઉંઘ-તરસ જેવાં કુદરતી વેગને રોકવાથી, વધુ પડતું વિરેચન, બસ્તી જેવાં અયોગ્ય પંચકર્મો, ભય-ત્રાસ, ગદાતિચાર-રોગની અયોગ્ય ચિકિત્સા, છર્દિ-ઉલટી, ઉબકાં, કર્ષણ-શરીરનું ખૂબ કૃશ-દુબળું થઈ જવું આ મુજબનાં કારણોને હ્રદયરોગ થવા માટે જવાબદાર કહ્યાં છે.

અહીં એ સમજવું જરૂરી છે કે હ્રદયરોગ થવા માટે જન્મજાત અનુવાંશિકતા જવાબદાર હોઈ શકે પરંતુ તે સાથે અયોગ્ય ખોરાક અને લાઈફ સ્ટાઈલથી મેટાબોલિક કારણો જોડાય છે. તે સાથે શરીરને લગતાં કારણો ઉપરાંત આયુર્વેદ માનસિક ભાવને પણ મહત્વપૂર્ણ કારણોમાં ગણે છે, જેમકે વધુ વિચાર કર્યા કરવો, ત્રાસ-એન્ઝાયટી, ડર વગેરે ભાવથી મન ઘેરાયેલું રહેતું હોય તો તેને અવગણવું નહીં. મનમાં જ્યારે ભય, ત્રાસ, ચિંતા જેવાં ભાવ રહે છે તેનો અર્થ એવો છે કે વિચારરૂપી મનનું પોષણ કરતાં ભાવ અયોગ્ય છે.

જો ચિંતા, ભય કે ત્રાસ જેવાં માનસિક ભાવને પોષણ મળે તેવા વિચારોથી મનનું અયોગ્ય પોષણ કરતાં રહીએ તો તેની નકારાત્મક અસર સાયકોસોમેટીક પાથ વે થી શરીરની નાની-મોટી જૈવ રાસાયણિક ક્રિયાઓ પર થાય છે જેની આડઅસર શરીર માટે ખૂબ ઉપયોગી કાર્ય કરતાં હોર્મોન્સ, એન્ઝાઈમ્સ અને ડાયજેસ્ટિવ વગેરે જ્યુસનાં બંધારણ અને પ્રમાણ પર થાય છે.

શરીર બ્રેઈન, કિડની, લિવર, પેન્ક્રીયાસ, આંતરડા, ફેફસા, હ્રદય જેવાં વિવિધ અવયવોનાં પોતાની સ્વતંત્ર કામગીરી અને એકબીજા સાથે તાલમેલ જાળવી અને થતી કામગીરીથી ચાલતી મિજલસ જેવું છે. એક કે બે વાજિંત્રોનાં સૂર છૂટે કે તાલ-લય ખોરવાય તો જે રીતે સંગીતની મિજલસ ખોરંભાય તે જ રીતે સુચારૂ રૂપે સ્વયંસંચાલિત રીતે ચાલતાં શરીરરૂપી મશીનની કામગીરી ખોરવાય છે. આથી અમુક ઉપાયથી અમુક રોગ ઠીક કરી દેવો એવો એપ્રોચ આરોગ્ય માટે શક્ય જ નથી. માત્ર બ્લડપ્રેશર નિયમિત થાય, હ્રદયનું પમ્પિંગ સુધરે કે બ્લડસુગર કંટ્રોલમાં રહે તેવી આયુર્વેદિક દવાઓ કે કેમિકલ લઈ અને આરોગ્ય પાછુ મળે નહીં ! શરીરનાં પોષણ માટે ખોરાક, વિટામીનની કાળજી લઈએ છીએ, તેવી જ કાળજી મનનાં પોષણ અને માનસિક ભાવના સંતુલન માટે કેવું વિચારીએ છીએ, કેવા લોકોની સંગતમાં રહીએ છીએ, દૈનિક માનસિક પ્રવૃત્તિઓ જેવીકે વિચાર, ચિંતન, ધ્યાન, સ્ત્રોત્રપાઠ, મંત્રોચાર, મનોરંજન-રમત રમવી, સંગીત, વાંચન, ગમતાં લોકો સાથે કે પછી બાગ-બગીચામાં સમય પસાર કરવા જેવી માનસિક પ્રવૃત્તિથી મનનું યોગ્ય પોષણ કરવું જરૂરી છે. જેવી માનસિક પ્રવૃત્તિમાં દૈનિક સમય પસાર કરીએ એ મુજબનાં આંતરમન, સુષુપ્તમન અને જાગ્રત મનનાં ભાવ સાહજિક જન્મે છે.

જો માનસિક ભાવમાં ભય, ચિંતા, ત્રાસ, ગુસ્સો, ઈર્ષ્યાનું સ્થાન પ્રેમ, દયા, સમાધાન, જે તે પરિસ્થિતિ સાથે અનુકૂલન, સંતોષ, જે છે તે માટે ઉપકારની ભાવના વગેરે લઈ લે તો આવાં પોષક માનસિક ભાવની સાયકોસોમેટીક પાથ વે પર આરોગ્યપ્રદ અસર થવાથી નાડીતંત્રમાં હ્રદય, ફેફસા, આંતરડા, બ્રેઈન વગેરેને મદદરૂપ સંવેગ જન્મે છે.
સ્ત્રીઓમાં જોવા મળતાં

હ્રદયરોગ સબંધિત લક્ષણો :

• જડબામાં, ખભ્ભામાં, કમરમાં, હાથમાં દુ:ખાવો થવો તથા શ્રમ કરવાથી દુ:ખાવો વધવો.
• ઠંડો પરસેવો વળવો.
• ઉલટી-ઉબકાં, અપચા જેવાં લક્ષણો.
• કારણ વગર અતિશય થાક લાગવો.
હ્રદયરોગમાં જોવા મળતાં છાતીમાં દુ:ખાવો, છાતી પર ભાર, શ્વાસ ચઢવા જેવાં લક્ષણો ન પણ હોય,ઉપર જણાવેલ લક્ષણો હોય અને જો ૪૦ વર્ષથી ઉપરની સ્ત્રી હોય તો હ્રદય સબંધિત પરિક્ષણ યોગ્ય તબીબ પાસે કરાવવું.
ઉપચાર:
• યોગ્ય પૌષ્ટિક સુપાચ્ય ખોરાક, શાંત-સ્વસ્થ વિચારો, નિયમિત ચાલવું, યોગાસન, પ્રાણાયમ વગેરે કસરતો ઉપરાંત મનોરંજન-આનંદ આપે તેવી પ્રવૃત્તિ નિયમિત કરો.
• ભૂખ, ઉંઘ, મળપ્રવૃત્તિ વગેરેમાં નિયમિતતા જરૂરી.
• જરૂરિયાત મૂજબ અશ્વગંધા, અર્જુન, પુનનૅવા, બ્રાહ્મી જેવાં સાદા ઔષધો અને રસૌષધિઓનાં યોગથી હ્રદય સબંધિત ઉપચાર યોગ્ય માર્ગદર્શનમાં શક્ય બને.

LEAVE A REPLY