કિંગ ચાર્લ્સની એક ચેરીટી સંસ્થાને દાન આપવાના બદલામાં સન્માનની ઓફર કરવામાં આવી હોવાના મીડિયા અહેવાલોની તપાસ બાદ પોલીસે તેમાં આગળ કોઈ કાર્યવાહી નહિં કરવાનું નક્કી કર્યું છે.

એક સાઉદી બિઝનેસમેને કિંગ ચાર્લ્સ દ્વારા સમર્થિત પ્રોજેક્ટ્સ માટે હજારો પાઉન્ડ ચૂકવીને એવોર્ડ મેળવ્યો હોવાના સન્ડે ટાઇમ્સના અહેવાલ બાદ મેટ્રોપોલિટન પોલીસની સ્પેશિયલ ઇન્ક્વાયરી ટીમ (SET) એ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રિન્સ ફાઉન્ડેશનનો સંપર્ક કરી તપાસ કરી હતી. બે અનામી પુરૂષોની પાછળથી કોશન હેઠળ મુલાકાત લેવાઇ હતી અને અખબારને પણ ચોક્કસ દસ્તાવેજો માટે વિનંતી કરી હતી.

જો કે, ઓનર્સ (પ્રિવેન્શન ઓફ એબ્યુઝીસ) એક્ટ અથવા બ્રાઇબરી એક્ટ હેઠળ કોઈ ગુનો આચરવામાં આવ્યો હતો કે કેમ તેના પુરાવાઓની સમીક્ષા કર્યા પછી પોલીસ નિષ્કર્ષ પર આવી હતી કે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ તપાસ દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી નથી અથવા આરોપ મૂકવામાં આવ્યો નથી.

સન્ડે ટાઈમ્સના અહેવાલ બાદ દાયકાઓ સુધી ચાર્લ્સના જમણા હાથ સમાન માઈકલ ફોસેટે ચેરિટી છોડી દીધી હતી.

જૂન 2022માં સન્ડે ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે પ્રિન્સ ચાર્લ્સે કતારના ભૂતપૂર્વ વડા પ્રધાન પાસેથી પોતાની એક સખાવતી સંસ્થા વતી $ 3.3 મિલિયન રોકડા સ્વીકાર્યા હતા. જેમાંથી કેટલાક શોપિંગ બેગમાં હતા. તે માટે તમામ યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. ટાઇમ્સે કહ્યું હતું કે પ્રિન્સ ઑફ વેલ્સના ચેરિટેબલ ફંડે ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી પણ નાણાં સ્વીકાર્યા હતા.

LEAVE A REPLY