ઇન્ડિપેન્ડન્ટ ફોન રિટેઈલર કારફોન વેરહાઉસ ત્રીજી એપ્રિલના રોજ પોતાના ૫૩૧ સ્ટોર બંધ કરી દેશે અને તેના સાથે જ ૨,૯૦૦ કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરવામાં આવશે. કંપનીએ પોતાના નિર્ણયને કોરોના વાયરસની મહામારી સાથે કોઈ સંબંધ ન હોવાની તથા પોતાની આંતરરાષ્ટ્રીય કામગીરી અને આયરલેન્ડના ૭૦ સ્ટોરને તેનાથી કોઈ અસર નહીં પહોંચે તેવી સ્પષ્ટતા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં ઈલેક્ટ્રિકલ ગુડ્સ રિટેઈલર ડિક્સન્સ અને મોબાઈલ ટેલિકોમ ગ્રુપ કારફોન વેરહાઉસના મર્જરથી ડિક્સન્સ કારફોનની રચના થઈ હતી.
પેરન્ટ કંપની ડિક્સન્સ કારફોનના કહેવા પ્રમાણે ભવિષ્યમાં તેઓ ઓનલાઈન અને વિવિધ ઈલેક્ટ્રિકલ સામાન વેચતા કરીઝ પીસી વર્લ્ડની ૩૦૫ શાખાઓ દ્વારા મોબાઈલ ફોનનું વેચાણ ચાલુ રાખશે.
સાથે જ કંપનીએ ૫૩૧ સ્ટોર બંધ કરવા પાછળ ગ્રાહકોનું બદલાયેલું વલણ જવાબદાર હોવાની સ્પષ્ટતા કરી હતી. કંપનીના કહેવા પ્રમાણે તેમને ચાલુ વર્ષ દરમિયાન ૧૦.૯ કરોડ ડોલરનું નુકસાન થયું છે અને મોબાઈલ ફોન વિભાગ ફરીથી નફો કરતો થાય તે માટે આ નિર્ણય જરુરી છે. જાહેરાત મુજબ કંપની ૨,૯૦૦ કર્મચારીઓને છૂટા કરવા ઉપરાંત અન્ય ૧,૮૦૦ કર્મચારીઓને ગ્રુપમાં જ અન્ય સ્થળે ગોઠવી આપશે. ગ્રાહકોની મોબાઈલ ઉપકરણો અને કનેક્ટિવિટી ખરીદવાની પદ્ધતિમાં ભારે ફેરફાર નોંધાઈ રહ્યા છે અને આ સંજોગોમાં કંપની માટે ટકી રહેવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું જેથી ૫૩૧ સ્ટોર બંધ કરીને ઓનલાઈન માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.