પ્રતિક તસવીર (Photo by Hugh Hastings/Getty Images)

હોમ ઓફિસ દ્વારા તેમના એમ્પ્લોયરો અને કંપનીઓના વર્કર્સને સ્પોન્સર કરવાનો અધિકારને રદ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરવાને પગલે યુકેમાં વિદેશથી આવેલા હજારો માઇગ્રન્ટ કેર વર્કર્સ હવે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. કેર વર્કર્સ માટેની વિઝા પ્રણાલીમાં સુધારા માટે કોલ કરવામાં આવ્યા છે, જે એમ્પ્લોયરના પગલાઓ માટે કામદારોને દંડિત કરે છે.

ધ ઓબ્ઝર્વરના અહેવાલ મુજબ ભારતમાંથી 22 વર્ષીય ઝૈનબ કોન્ટ્રાક્ટર અને તેનો ભાઈ ઈસ્માઈલ યુકેમાં કેર જોબ્સ માટે રિક્રુટમેન્ટ એજન્સીને £18,000 ચૂકવીને યુકે આવ્યા હતા. પરંતુ તેમને પોતે છેતરાયા હોવાનું જણાયું હતું. તેમને 60 દિવસની અંદર નવી સ્પોન્સરિંગ કંપની શોધવા અથવા દેશ છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી.

ઝૈનબે કહ્યું હતું કે ‘’મારા પુત્રને વધુ સારૂ જીવન મળે તે માટે હું યુકેમાં માઇગ્રેટ થઈ હતી. હવે અમને ખબર નથી કે અમે કેવી રીતે બચીશું.”

તો ઇસ્માઇલે તેની હતાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે “અમને સાંભળ્યા વિના હાંકી કાઢવામાં આવી રહ્યા છે તે વાજબી નથી.’’

બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને ધ ઑબ્ઝર્વર દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે 3,081 કેર વર્કર્સનાં સ્પોન્સરશિપ સર્ટિફિકેટ્સ હોમ ઑફિસ દ્વારા 2022 અને 2023માં રદ કરવામાં આવ્યાં હતાં કારણ કે કંપનીઓએ કામદારોને સ્પોન્સર કરવાનો અધિકાર ગુમાવ્યો હતો.

નાઇજીરીયાના એક કેર વર્કર કેથરીને પોતાના અનુભવને “નરક” તરીકે વર્ણવ્યો હતો અને કહ્યું હતું કે કામનું વચન આપવામાં આવ્યું હતું જે ક્યારેય પૂર્ણ થયું ન હતું.’’

એસ એન્ડ કે કેર 24ના કે મેયોએ સ્વીકાર્યું હતું કે ‘’કંપની દ્વારા પ્રાયોજિત કોઈપણ કેર વર્કરને કામ આપવામાં આવ્યું નથી.’’

હોમ ઑફિસે કામદારોના શોષણ પર કાર્યવાહી કરવા માટેના તેના પ્રયત્નો દર્શાવ્યા હતા પરંતુ અસરગ્રસ્ત કામદારો માટેના સમર્થન અંગે સ્પષ્ટતા આપી નથી.

કોમ્યુનિટી વર્કર બાલકૃષ્ણન બાલગોપાલે અસરગ્રસ્ત પરિવારોને પડતી મુશ્કેલીઓને હાઇલાઇટ કરીને 60-દિવસના નિયમને રદ કરવા સરકારને વિનંતી કરતી અરજી શરૂ કરી છે. કેટલાક કેર વર્કર્સ હોમ ઑફિસની સમયમર્યાદામાં નવી સ્પોન્સરશિપ મેળવવામાં સક્ષમ છે, પરંતુ અન્યો તેમના ભવિષ્ય વિશે અનિશ્ચિત છે.

સ્પોન્સરશિપ લાયસન્સ મેળવવા માટેની ઢીલી ચકાસણી પ્રક્રિયાઓ માટે સરકારની ટીકા કરવામાં આવી છે, જે સંભવિત શંકાસ્પદ સંસ્થાઓને કામ કરવાની મંજૂરી આપે છે.

(બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને ધ ઓબ્ઝર્વર દ્વારા તપાસમાં કેટલાક નામો ઓળખને સુરક્ષિત રાખવા માટે બદલવામાં આવ્યા છે)

LEAVE A REPLY