ભારત સરકાર દ્વારા કાર્ડીફ યુનિવર્સિટી ખાતે આયોજીત સત્તાવાર દિવાળી ઉત્સવની ઉજવણીમાં વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ જોડાયા હતા અને નમામી ગંગે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય હાઇ કમિશનર ગાયત્રી ઇસાર કુમાર, ભારતીય માનદ કાઉન્સેલ રાજ અગ્રવાલ અને અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા અને ભારતીય નર્તકો અને સંગીતકારોના પર્ફોર્મન્સનું પણ આયોજન કરાયું હતું. યુનિવર્સિટી બિલ્ડિંગ ભારતીય રાષ્ટ્રધ્વજના કેસરી, સફેદ અને લીલા રંગોમાં ઝળહળી ઉઠી હતી.
યુનિવર્સીટીના પાર્ક પ્લેસ સ્થિત સ્ટુડન્ટ લાઇફ સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 150 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઇ હતી.
કાર્યક્રમને સંબોધન કરતા શ્રી માર્ક ડ્રેકફોર્ડે કહ્યું હતું કે “કોરોનાવાયરસ રોગચાળાએ આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને પ્રકાશિત કર્યું છે. વેલ્સમાં ભારતીય સમુદાયના મેડિકલ પ્રોફેશનલ્સના પ્રયાસો ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારત અને વેલ્સ વચ્ચે મજબૂત સંબંધો રહ્યા છે. દિવાળી એ અમારા માટે અને વેલ્સમાં સમુદાય દ્વારા આપવામાં આવેલા વ્યાપક યોગદાનને સ્વીકારવાનો પ્રસંગ છે. મને આનંદ છે કે ભારત સરકારે વેલ્સને નમામિ ગંગે કાર્યક્રમના સ્થળ તરીકે સામેલ કર્યું છે. તે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને મને આશા છે કે તેની સફળતામાં યોગદાન આપવા માટે વેલ્સમાં નિપુણતાનો અવકાશ છે.
આ કાર્યક્રમમાં ભારતના હાઈ કમિશન દ્વારા પ્રસ્તુત નમામી ગંગે પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું, જે ગંગા નદી અને તેની ઇકોસિસ્ટમને જાળવવા અને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ પર્યાવરણીય પ્રોજેક્ટ્સને રજૂ કરે છે. આ પ્રદર્શન યુકેમાં એવા લોકોના જોડાણને પણ પ્રોત્સાહિત કરે છે જેઓ આ અત્યંત મહત્વપૂર્ણ નદી પ્રણાલીના કાયાકલ્પ, પુનઃસંગ્રહ અને સંરક્ષણમાં સામેલ થવા માંગે છે.
ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમારે કહ્યું હતું કે “આ એક સન્માનની વાત છે કે વેલ્સમાં ભારતીય મૂળના સમુદાય માટે જ નહીં, પણ હુંફાળા વાતાવરણને વધુ મજબૂત બનાવવા માટે અહીં ફર્સ્ટ મિનિસ્ટર દિવાળીની આ ઉજવણીમાં જોડાઇ રહ્યા છે, જે વેલ્સના લોકો અને ભારતના 1.3 બિલિયન લોકો વચ્ચે મિત્રતાના બંધનમાં જોડી રાખે છે. વેલ્સમાં ભારતીય સમુદાય સંપૂર્ણ રીતે સંકલિત છે અને વેલ્સની સમૃદ્ધિમાં અને રાષ્ટ્રની આરોગ્યસંભાળ અને સેવા ક્ષેત્રને મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યો છે. હું કાર્ડિફના રાજકીય અને સમુદાયના આગેવાનોનો ભારતીય મૂળના સમુદાયની પેઢીઓને અહીં વેલ્સમાં આવકારવા બદલ અને સુરક્ષિત અનુભવ કરાવવામાં તેમની ભૂમિકા માટે અભિનંદન આપું છું.’’
માનદ કાઉન્સેલ રાજ અગ્રવાલે કહ્યું હતું કે “રોગચાળા પછી બધાં પાછાં આવ્યાં અને ફરી એકસાથે દિવાળીની ઉજવણી કરી શક્યા તે ખૂબ જ સરસ હતું. ગયા વર્ષે અમે કોવિડ ફાટી નીકળવાના કારણે કોઈ જાહેર કાર્યક્રમ કરી શક્યા ન હતા તેથી આ વર્ષ ખાસ છે અને અમે ફરીથી જૂના મિત્રો અને સાથીદારોને મળવા અને આ અદ્ભુત નર્તકો અને સંગીતકારોને જોવા અને હિન્દુ કૅલેન્ડરમાં આ મહાન તહેવારની ઉજવણી કરવા સક્ષમ થયા છીએ.”
નમામિ ગંગે પ્રદર્શનની લોન્ચ નાઇટમાં વેલ્સના મહાનુભાવો અને ભારતીય ડાયસ્પોરાના અન્ય સભ્યો સહિત અસંખ્ય મુલાકાતીઓ હાજર રહ્યા હતા. આ પ્રદર્શન બર્મિંગહામ અને લંડનમાં પણ બતાવવામાં આવશે.
નેશનલ મિશન ઓફ ક્લીન ગંગાના સંયુક્ત સચિવ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અશોક કુમાર દ્વારા ફર્સ્ટ મિનિસ્ટરને “રોવિંગ ડાઉન ધ ગંગા” નામનું સુંદર પુસ્તક પ્રસ્તુત કરવામાં આવ્યું. આ પુસ્તક ગંગા કાયાકલ્પ કાર્યક્રમના વિવિધ પાસાઓ દર્શાવે છે.