કોરોના મહામારીને કારણે જાહેરની જગ્યાએ ખાનગી પરિવહન વધારો થતાં ભારતમાં કારની માગમાં વધારો થયો છે અને તેનાથી દેશમાં કાર લેવા માટે 1-10 મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2020માં મોટા ભાગની કાર કંપનીઓના વેચાણમાં વધારો થયો હતો. મારુતિ સુઝુકીનું વેચાણ 2020ના ડિસેમ્બર મહિનામાં આશરે 1.41 લાખ યુનિટ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો દર્શાવે છે. હ્યુન્ડાઇનું વેચાણ આ સમયગાળામાં 25 ટકા વધીને 47,400 યુનિટ થયું હતું. આની સામે ટાટા મોટર્સના વોલ્યુમમાં 84 ટકાનો જંગી ઉછાળો આવ્યો હતો.
ઓટો બજારમાં મોખરાનું સ્થાન ધરાવતી મારુતિ સુઝુકી હાલ તેની કુલ કેપેસિટીના 100 ટકા ઉત્પાદન કરી રહી છે. ઓક્ટોબરથી કંપનીના દરેક પ્લાન્ટ ફૂલ કેપેસિટી સાથે કામ કરી રહ્યા છે તેમ છતા સ્વિફ્ટ, અલ્ટો અને વેગનઆર જેવી કાર માટે ગ્રાહકને 3-4 સપ્તાહ સુધી વેઇટિંગ કરવું પડે છે. જ્યારે અર્ટિંગા જેવી કાર માટે ઓછામાં ઓછા 6-8 મહિનાનું વેઇટિંગ છે. મારુતિએ હાલમાં જ 27 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી મેઇન્ટેનન્સ શટડાઉન રાખ્યું હતું તેમાં પણ કંપનીની એસેમ્બલી લાઈન તેની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરતી હતી.
મારુતિની મુખ્ય હરીફફ હ્યુંડાઈએ તેના લોકપ્રિય મોડેલના ઉત્પાદનની કામગીરીને વેગ આપ્યો છે, જેમાં તેની ફેમસ ક્રેટા કારનું ઉત્પાદન છેલ્લા 6 મહિનામાં દરરોજના 340 યુનિટથી વધારીને ડબલ 640 યુનિટ્સ કર્યું છે, જેના કારણે ગ્રાહકોને 6 મહિના તો નહીં પણ ઓછામાં ઓછા 2-3 મહિના તો હજુ પણ વેઇટિંગ કરવું જ પડે છે. કંપનીની નવી i20 પણ 2-3 મહિનાની વેઇટ લિસ્ટમાં છે. કંપની ઉત્પાદન દર મહિને 8,000-9,000 જગ્યાએ વધારીને 12,000 સુધી કરવાની યોજના બનાવી છે. હ્યુન્ડાઇ વધુ વોલ્યુમ મેળવવા માટે એક્સપોર્ટ-ડોમેસ્ટિક મિક્સમાં પણ ફેરફાર કરી શકે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ડિસેમ્બરમાં 15,276 યુનિટનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે છ ટકા વધારો દર્શાવે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવિઝનના સીઈઓ વિજય નાકરાએ કહ્યું કે, ‘અભૂતપૂર્વ માંગને ધ્યાનમાં રાખીને અમે અમારી નાસિક ખાતેની પ્રોડક્શન ફેસિલિટી અને સપ્લાયર બંનેની ઉત્પાદન ક્ષમતા વધારવાની પ્રક્રિયામાં ઝડપ વધારી છે. શરૂઆતમાં અમે દર મહિને લગભગ 2,000 વાહનોની ક્ષમતાનું આયોજન કર્યું હતું અને હવે બે ટૂંકા તબક્કામાં તેને નોંધપાત્ર રીતે વધારીને દર મહિને 3,000 અને પછી 3,500 યુનિટ સુધી પહોંચાડી રહ્યા છીએ. આનાથી અમને વેઇટિંગ પિરિયડને મહદઅંશે નિશ્ચિત સમય મર્યાદા સુધી લાવવામાં મદદ મળશે’ કંપનીએ હાલમાં જ લોન્ચ કરેલી થાર માટે હાલ 20-40 વીકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
આ સપ્તાહની શરુઆતમાં જ નિશાને પોતાની નવી કાર મેગ્નાઇટને મળેલા બંપર પ્રતિસાદ પછી તેનું ઉત્પાદન વધારવાનું નક્કી કર્યું હતું.. કંપની પ્રતિ મહિના 2700 યુનિટની પોતાની કેપેસિટીને વધારીને 4000 યુનિટ લઈ જવા માગે છે.