FILE PHOTO REUTERS/Amit Dave

અમદાવાદમા અષાઢી બીજે રથયાત્રાના શુભ દિવસે આશરે 4,200 ટુ-વ્હીલર અને ફોર વ્હીલર્સનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષે થયેલા વેચાણ કરતાં આશરે 30 ટકા વધુ છે, એવો ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશને અંદાજ આપ્યો હતો. આ શુભદિવસે 3,200 ટુ વ્હિલર્સ અને 1,000 ફોર વ્હિલર્સનું વેચાણ થયું હતું.

વાહનોના વેચાણમાં ટુ-વ્હીલરનું વેચાણ સારું રહ્યું હતું, પરંતુ હજુ પણ સ્કૂલ-કૉલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ શોરૂમમાં દેખાયા ન હતા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ રથયાત્રા પર ટુ-વ્હીલર ખરીદતા હોય છે, પરંતુ આ વખતે મોટાભાગે ધંધાદારી લોકોએ જ વાહનો ખરીદ્યા હતા. બાઈક કરતા ગિયરલેસ ટુ-વ્હીલરનું વેચાણ વધુ જોવા મળ્યું હતું. શહેરના એક કાર ડિલરે જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન મોટાભાગે એન્ટ્રી લેવલ સેગમેન્ટની કારનું વેચાણ થયું હતું, એસયુવીની પણ સારી માગ હતી.

25 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ લોન્ચ થયા

રથયાત્રાના શુભ દિવસે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મોટી હલચલ જોવા મળી હતી. શહેરમાં આ શુભદિવસે નવા 25 પ્રોજેક્ટ્સ લોન્ચ થયા હતા. મકાનાના વેચાણ અને બુકિંગમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. કોમર્શિયલ પ્રોપર્ટીની પણ માગ રહી હતી. ક્રેડાઇ-અમદાવાદના પ્રેસિડન્ટ અજય પટેલે જણાવ્યું હતું કે કેટલાંક ડેવલપર્સ તેમના પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત કર્યું હતું. રથયાત્રાના શુભદિને 25 નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા હતા. ગયા વર્ષ કોરોના મહામારીના કારણે રથયાત્રા દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નહિવત કામકાજ થયા હતા. તેથી બુકિંગ, વેચાણ અને નવા પ્રોજેક્ટ્સમાં વધારો થયો હતો. બુકિંગ અને વેચાણ લગભગ બમણું રહ્યું હતું.