કોરોના મહામારી સામે લડતા હેલ્થ સર્વિસ વર્કર્સ માટે મિલિયન્સ ઓફ પાઉન્ડ એકત્ર કરીને સમગ્ર દેશનો જુસ્સો બુલંદ બનાવનારા બ્રિટનના કેપ્ટન સર ટોમ મૂરનું મંગળવારે 100 વર્ષની વયે અવસાન થયું હતું. કેપ્ટન મૂરે તેમના ગાર્ડનની ફરતે ચાલીને નેશનલ હેલ્થ સર્વિસ માટે 38.0 મિલિયન પાઉન્ડ (53 મિલિયન ડોલર) એકત્ર કરવામાં મદદ કરી હતી.
મૂરે દુનિયાને સંદેશ આપ્યો હતો કે ફરી સૂર્યોદય થશે અને અંધકારના વાદળો વિખેરાઈ જશે. કોવિડ લોકડાઉન દરમિયાન આશા અને બલિદાનના સાદા સંદેશ મારફત લાખ્ખો લોકોના હૃદયને સ્પર્શી ગયેલા કેપ્ટન મૂરને સમગ્ર બ્રિટને ફ્લાવર અને લાઇટ સાથે શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં એક મિનિટના મૌન બાદ વડાપ્રધાન બોરિસ જોન્સને બુધવારે મૂર અને હેલ્થ વર્કર્સને સન્માન આપવા લોકોને અનુરોધ કર્યો હતો. લંડનથી 50 માઇલ દૂર માર્સ્ટન મોરેટેઇનમાં આવેલા તેમના નિવાસસ્થાને બાળકોએ ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલી આપી હતી અને ભાવુક સંદેશ લખ્યા હતા.
સેન્ટ્રલ ઇંગ્લેન્ડમાં બેડફોર્ડ હોસ્પિટલમાં મંગળવારની સવારે નિધન બાદ તેમની પુત્રીઓએ એક નિવેદનમાં જણાવાયું હતું કે અતિશય દુઃખની લાગણી સાથે અમે અમારા પ્રિય ફાધર કેપ્ટન સર ટોમ મૂરના નિધનની જાહેરાત કરીએ છીએ. મૂરના પરિવારે જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી સર ટોમ મૂર પ્રોસ્ટેટ અને સ્કીન કેન્સરની સારવાર લઈ રહ્યાં હતા. 22 જાન્યુઆરીએ કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ તેમના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ક્વીન ઇલિઝાબેથે મૂરને શ્રધ્ધાંજલી આપી હતી. જોન્સને જણાવ્યું હતું કે કેપ્ટન ટોમ મૂર ખરા અર્થમાં હીરો હતા. તેઓ માત્ર રાષ્ટ્રીય પ્રેરણા જ બન્યા નહોતા, પરંતુ વિશ્વ માટે આશાનું કિરણ હતા. જોન્સને મૂરની પુત્રી હન્નાહ સાથે વાત કરી તેઓએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. મૂરના સન્માનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.