દક્ષિણ ઘ્રુવ પર કોઇની મદદ વગર એકલા જ પહોંચેલી ઈન્ડિયન બ્રિટિશર આર્મી ઓફિસર સિખ યુવતીએ હવે એન્ટાર્કટિકાની સાહસ યાત્રાએ જવાનો પડકાર ઝિલ્યો છે. દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનો રેકોર્ડ કરીને કેપ્ટન હરપ્રીત ચંડી ‘પોલર પ્રીત’ના નામે જાણીતા બન્યા છે. તેઓ દક્ષિણ ધ્રુવથી જાન્યુઆરી મહિનામાં પરત આવ્યા હતા. 33 વર્ષની ફીઝિયોથેરાપિસ્ટ હરપ્રીતને અનેક સન્માન મળી ચૂક્યા છે. આ મહિને તે એન્ટાર્કટિકામાં માઇનસ 50 સુધીના તાપમાનમાં સફર ખેડશે. તેમની સાથે બરફ પર ચાલતું પૈડા વગરનું વાહન (સ્લેજ) પણ હશે.
હરપ્રીતે જણાવ્યું હતું કે, ‘મારું લક્ષ્ય કોઇની મદદ વગર એન્ટાર્કટિકામાંથી પસાર થવાનું છે. મારે આ અભિયાનમાં મારી તમામ કિટ સાથે એક હજાર માઇલથી વધુનું અંતર સ્લેજને ખેંચીને કાપવાનું છે. આ દરમિયાન શૂન્યથી નીચેનું તાપમાન અને કલાકના 60 માઇલની ઝડપે ફુંકાતા પવનનો સામનો કરવો પડશે. આ યાત્રા અંદાજે 75 દિવસમાં પૂર્ણ થશે. આ સાહસયાત્રા પૂર્ણ કરી શકીશ તો હું કોઇની મદદ વગર એકલા એ ખંડ પાર કરનારી પ્રથમ મહિલા બનીશ.
હરપ્રીત ત્રણ વર્ષ અગાઉ એન્ટાર્કટિકા અંગે માહિતી મેળવી રહી ત્યારે તેણે નિર્ણય લીધો કે તે એ ખંડ પાર કરશે. તેણે પોતાની ટ્રેનિંગના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, નોર્વે અને ગ્રીનલેન્ડમાં એક વર્ષ ટ્રેનિંગ અને એક્સપિડિશન પૂર્ણ કર્યા પછી મેં એન્ટાર્કટિક લોજિસ્ટિક્સ એન્ડ એક્સપિડિશન્સ (ALE)માં અરજી કરી હતી. તેના થોડા અઠવાડિયા પછી મને ઇમેઇલ મળ્યો કે મારી અરજી સ્વીકારાઈ નહોતી, કારણ કે મારી પાસે પુરતો અનુભવ નહોતો. મને સંકોચ પણ થયો હતો. પરંતુ હિંમત હારવાને બદલે તેણે દક્ષિણ ધ્રુવની 1126.54 કિલોમીટરની યાત્રા એકલા જ પૂર્ણ કરી. પછી તેણે ફરીથી આ વર્ષની શરૂઆતમાં અરજી કરી હતી અને તે સ્વીકારાઈ હતી.
હરપ્રીત ચંડી એક એથ્લીટ પણ છે, તેણે અનેક પ્રકારની મેરેથોન પૂર્ણ કરી છે. તેણે બ્રિટિશ આર્મી ઓફિસર તરીકે નેપાળ, કેન્યા અને સાઉથ સુદાનમાં યુનાઇટેડ નેશન્સનાં શાંતિ સૈનિક તરીકે પણ કામગીરી કરી છે.