ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ બાદ સીમિત ઓવર્સની ક્રિકેટના કેપ્ટન તરીકે રાજીનામું આપી શકે છે તેવી અટકળોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ફગાવી દીધી છે. બીસીસીઆઇના ટ્રેઝરર અરુણ ધુમલે સોમવારે જણાવ્યું હતું કે બોર્ડે આ મુદ્દે કોઇ ચર્ચા કરી નથી અને કોહલી તમામ ફોર્મેટમાં ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. આ અહેવાલો પાયા વગરના છે.
અગાઉ સૂત્રોને ટાંકીને એવી અટકળો વ્યક્ત કરવામાં આવી હતી કે ટીમ ઈન્ડિયાના હીટમેન રોહિત શર્માને વનડે અને ટી-20ના કેપ્ટન બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે. 32 વર્ષીય વિરાટ કોહલી હાલ ભારતના ત્રણેય ફોર્મેટના કેપ્ટન છે અને ભારતના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. વિરાટ ટેસ્ટમાં પોતાની કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે. તેઓ હાલ 32 વર્ષના છે અને આગામી 5-6 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે.