દેશના 99 વર્ષના હીરો કેપ્ટન ટોમ મૂરે NHS માટે 18.5 મિલિયન એકત્ર કર્યા

0
912

ગુજરાત જેટલુ જ કદ અને વસ્તી ધરાવતા નાનકડા ટાપુ યુ.કે.ને ‘ગ્રેટ બ્રિટન’ સાવ એમ જ નથી કહેવાયુ. કોરોનાવાયરસની અપત્તી સામે અહિ અબાલ વૃધ્ધ સૌ કોઇ સાથે રહીને લડી રહ્યા છે. બીજા વિશ્વયુધ્ધમાં ભારત અને મ્યાંનમારમાં લડી ચૂકેલા નિવૃત્ત કેપ્ટન ટોમ મૂરેએ કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહેલ એનએચએસ માટે ભંડોળ એકત્ર કરવા માટે તેમના બગીચામાં વોક કરીને એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 18.5 મિલિયન પાઉન્ડ એકત્ર કરી લીધા છે. તેમના માટે ફંડ એકત્ર કરવાનુ કામ કરતી જસ્ટિગિવીંગ વેબસાઇટ પર 90,000 દાતાઓએ દાન કરવા હલ્લો કરતા દાતાઓના જુવાળને કારણે ક્રેશ વેબસાઇટ ક્રેશ થઇ ગઇ છે. ટોમ દાદાને અત્યાર સુધીમાં 910,643 જેટલા લોકો ટેકો આપી ચૂકયા છે અને તેઓ 37 ગણુ દાન મેળવી ચૂક્યા છે.

પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને રેકોર્ડ કરેલો વિડીયો સંદેશ મોકલાતાં કેપ્ટન ગળગળા થઇ ગયા હતા અને ‘મારા સુપર રાજકુમાર આશ્ચર્યજનક છે!’ એન જણાવ્યુ હતુ. રોયલ્સે સંદેશામાં જણાવ્યુ હતુ કે ‘’તેઓ એક એવા માણસ છે જેમણે બધાને પ્રેરણા આપી છે, તેઓ વન મેન ફંડરેઇઝીંગ મશીન છે.’

જસ્ટગીવીંગ વેબ પેજ પર એનએચએસ માટે 18.5 મિલિયન પાઉન્ડ એકત્ર કરનાર કેપ્ટન ટોમને નાઇટહૂડ એટલે કે સરનો ઇલ્કાબ  આપવા માટે એક પીટીશન કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 800,000થી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. બોરીસ જ્હોન્સનના સત્તાવાર પ્રવક્તાએ પણ તેમને નાઈટહૂડનો ઇલ્કાબ આપવાનો સંકેત આપ્યો હતો.

30 એપ્રિલના રોજ 100 વર્ષના થનાર કેપ્ટન મૂરનુ લક્ષ્ય એનએચએસ ચેરિટીઝ ટુગેધર માટે માત્ર £1000 એકત્ર કરવાનુ હતુ. તેમણે છેલ્લા 24 કલાકમાં 5 મિલિયન પાઉન્ડ એકત્ર કર્યા હતા. ગઈકાલે ગુરૂવારે એક વિશાળ સ્મિત સાથે તેમણે 2,530-યાર્ડની સફર પૂરી કરી હતી.

બેડફોર્ડશાયરના 99 વર્ષના કેપ્ટન ટોમ મૂરે 30 એપ્રિલના રોજ 100મો જન્મદિવસ ઉજવે તે પહેલા તેમના 27-યાર્ડના બગીચામાં  100 લેંથનુ વૉકિંગ કરવાની જાહેરાત કરી હતી. દેશપ્રેમી દાતાઓનો હોંસલો હજૂ તૂટ્યો નથી. લોકોના દાનનો ધોધ હજૂ ચાલુ જ છે.

કેપ્ટન મૂરે કહ્યું હતુ કે ‘’આ સિધ્ધિ આ દુનિયાથી સંપૂર્ણપણે બહાર છે અને જેમણે દાન આપ્યું છે તેનો આભાર માનુ છુ. લોકોનો ઉત્સાહ બતાવે છે કે લોકો આપણી રાષ્ટ્રીય આરોગ્ય સેવા બાબતે કેટલુ માન રાખે છે.’’

વેસ્ટ યોર્કશાયરના કિગલીમાં જન્મેલા કેપ્ટન મૂરે તેમની પુત્રી હેન્ના ઇંગ્રામ-મૂર, જમાઈ કોલિન ઇંગ્રામ અને પૌત્રો જ્યોર્જિયા અને બેન્જી સાથે માર્સટન મોરટેઇનમાં રહે છે. કેન્સર અને થાપાનુ હાડકુ તૂટી જતા તેમને એનએચએસ સ્ટાફે ખૂબ જ મદદ કરી હતી. જેમનો આભાર માનવા માટે તેમણે આ ભંડોળ ઉભુ કર્યુ હતુ.

પિયર્સ મોર્ગને આજે સવારે કેપ્ટન મૂરને આ અસાધારણ ભંડોળ ઉભું કરવાના પ્રયત્નો માટે નામાંકિત કરવાની ઝુંબેશ શરૂ કરી પોતાના તરફથી £10,000નુ દાન જાહેર કર્યુ હતુ.