ઇલફોર્ડની 23 વર્ષની મહિલાએ કેનાબીસ (ગાંજા) સ્વીટ્સ ખાધા બાદ મૃત્યુ થતા પોલીસ અધિકારીઓએ લોકોને કેનાબીસ સ્વીટ્સ અને તેના જેવા અન્ય ઉત્પાદનો ખાવા સામે ચેતવણી આપી છે.
29 માર્ચે, મહિલાએ તેના ફોનના મેસેજિંગ એપ દ્વારા ‘ગમી’ તરીકે ઓળખાતી કેનાબીસ સ્વીટ્સ જેને ખરીદી હતી. જે તેના ઘરના સરનામે પહોંચાડવામાં આવી હતી. મહિલા અને તેની 21 વર્ષની મિત્રએ એક-એક સ્વીટ્સ ખાધા બાદ તેઓ અસ્વસ્થ થતા 29 માર્ચે રાત્રે 11:30 કલાકે સાઉથ પાર્ક ડ્રાઇવ, ઇલફર્ડ ખાતે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. તેમને ઇસ્ટ લંડનની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં દુર્ભાગ્યે, 23 વર્ષીય મહિલાનું શનિવારે, 2 એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું.
મરણનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાશે, પોલીસ તેના પરિણામો અને રીકવર કરાયેલા અસંખ્ય સ્વીટ્સના પરિણામોની પોલીસ રાહ જોઇ રહી છે. બીજી મહિલાને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કેનાબીસ સ્વીટ્સ, ગમી અને સમાન ઉત્પાદનો ખાધા પછી લોકો ગંભીર રીતે અસ્વસ્થ થઈ ગયા હોય તેની ઓળખ કરવા અને તેના કારણો જાણવા પોલીસ પૂછપરછ કરી રહી છે. માર્ચની શરૂઆતમાં ટાવર હેમલેટ્સમાં કેનાબીસ સ્વીટ્સ ખાધા પછી એક મહિલાની તબિયત લથડી હતી.
શુક્રવાર, 1 એપ્રિલના રોજ પોલીસે મોટી માત્રામાં રોકડ અને ખાદ્ય ગાંજાના ઉત્પાદનો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેને બીજા દિવસે ક્લાસ B કૃત્રિમ કેનાબીનોઈડ સપ્લાય કરવાનો, તે રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
મેટ પોલીસના ઈસ્ટ એરિયા બીસીયુના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટુઅર્ટ બેલે કહ્યું હતું કે “કેનાબીસ સ્વીટ્સના રૂપમાં પેક કરેલા કોઈપણ પદાર્થો ખાવા જોખમી છો. તે ગેરકાયદેસર છે અને ચાઇલ્ડ ફ્રેન્ડલી પેકેજિંગને કારણે કોઇ પણ વ્યક્તિ અજાણતા ખાઇ શકે છે. ડ્રગ ડીલરો સમાજને નુકસાન પહોંચાડી વ્યક્તિઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે. અમે આ અંગે પગલા ભરી રહ્યા છીએ. આવા લોકો અંગે પોલીસને 101 પર કૉલ કરવા અથવા ક્રાઈમસ્ટોપર્સનો સંપર્ક કરવા વિનંતી છે.”