કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022નો પ્રારંભ થયો છે. ફેસ્ટિવલમાં ભારતના અનેક કલાકારોએ ભાગ લીધો છે. બોલિવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી મેમ્બર તરીકે પસંદ કરવામાં આવી છે.
ભારતના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળ ભારતીય ડેલિગેશન રેડ કાર્પેટ પર ઊતર્યું હતું. આ ડેલિગેશનમાં આર. માધવન, ગ્રેમી વિજેતા કમ્પોઝર રિકી કેજ, CBFCના ચેરમેન પ્રસૂન જોષી, ડાયરેક્ટર શેખર કપૂર, એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી, વાણી ત્રિપાઠી ટીકૂ, નયનતારા, તમન્ના ભાટિયા, પૂજા હેગડે, ઉર્વશી રૌતેલાનો સમાવેશ થાય છે. આ બધા જ સેલિબ્રિટીઝે રેડ કાર્પેટ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ ફિલ્મ ફેસ્ટિવલના માર્ચ ડુ ફિલ્મમાં ભારતને ‘ઓફિશિયલ કન્ટ્રી ઓફ ઓનર’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે ત્યારે દેશના પ્રાદેશિક સિનેમાના કલાકારોને પણ પ્રતિનિમંડળમાં સાથે છે. પ્રધાન અનુરાગ ઠાકુરે ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તેઓ સફેદ શેરવાનીમાં જોવા મળી રહ્યા છે. જ્યારે શેખર કપૂરે ઝભ્ભો, કોટી અને પેન્ટ પહેર્યું છે. આર. માધવન અને નવાઝુદ્દીન સિદ્દીકી બ્લેક રંગના સૂટમાં જોવા મળ્યા હતા. આ તસવીરો પોસ્ટ કરતાં અનુરાગ ઠાકુરે લખ્યું, “કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કન્ટ્રી ઓફ ઓનર તરીકે પસંદગી પામનારો ભારત પહેલો દેશ છે ત્યારે આ ગર્વની ક્ષણ છે.
દીપિકા પાદુકોણ આ વર્ષે જ્યૂરી મેમ્બર તરીકે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઇ છે. એરપોર્ટ લૂક, ડિનર અને ઓપનિંગ સેરેમનીમાં પણ આ ઇન્ડિયન એક્ટ્રેસના ડિઝાઇનર આઉટફિટ્સ આકર્ષક રહ્યાં હતા. દીપિકાએ ફરીથી તેના ફેવરિટ ડિઝાઇનર સબ્યસાચી મુખરજીના કલેક્શન ઉપર જ પસંદગી ઉતારી છે. એક્ટ્રેસે પહેલાં દિવસે સ્ટ્રાઇપ્ડ પેટર્નવાળી સાડી પહેરી હતી. મડ એન્ડ બ્લેક કોમ્બિનેશનવાળા આ ટ્રેડિશનલ ડ્રેપમાં બ્લિંગ એલિમેન્ટ એડ કરવા તેના ઉપર ખાસ વર્ક કરવામાં આવ્યું હતું.