કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર બિલ બ્લેરે જણાવ્યું છે કે, સરકાર પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગનની સુરક્ષા ખર્ચ લાંબો સમય નહીં ભોગવે. ધ ડ્યુક અને ડચેઝ ઓફ સસેક્સ ગત નવેમ્બરથી બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સના પશ્ચિમી છેવાડે દરિયા કિનારાની નજીકના ઘરમાં હંગામી ધોરણે રહે છે. ગત મહિને તેમણે રાજવી જીવનશૈલી છોડીને સહુને આંચકો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધરાવતા આ દંપતીને કેનેડામાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે સુરક્ષા વ્યવસ્થા આપી હતી. પ્રિન્સ હેરી અને ડચેઝ મેગન 31 માર્ચના રોજ અધિકૃત રીતે રાજવી જીવનશૈલીનો ત્યાગ કરશે. કેનેડિયન્સે આ રાજવી દંપતીનું સ્વાગત કર્યું હતું. એએફપીના એક સર્વેમાં કેનેડાના રાજવીઓએ પણ તેમના પ્રત્યે ઉત્સુકતા દર્શાવી હતી અને અન્ય પ્રવાસી જૂથોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. પરંતુ તાજેતરમાં થયેલા એક સર્વેમાં 77 ટકા કેનેડિયન કરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ આ દંપતીનો સુરક્ષા ખર્ચ ભોગવવા તૈયાર નથી.