કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પત્ની સોફી ટ્રુડોમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. કેનેડાની મીડિયા અનુસાર વડાપ્રધાન ટ્રુડોની પત્નીના થોડા દિવસ પહેલા સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા. જે પોઝિટીવ આવ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે તેઓ તેમનું દૈનિક કાર્ય કરી શકે છે. પરંતુ તેઓએ તેમના શારીરિક લક્ષણો પર સતત દેખરેખ રાખવી પડશે. બ્રિટનના એક પ્રોગ્રામમાંથી પરત ફર્યા બાદ તેમને તાવ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ ડોક્ટરોએ તેની તપાસ અને પરીક્ષણ માટે નમૂના લીધા છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ સ્વૈચ્છિકપણે જાહેર સ્થળો અને કાર્યક્રમોથી પોતાને દૂર રાખવાનો નિર્ણય લીધો છે અને સોફી ટ્રુડો પણ પોઝિટિવ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ઘરેથી કામ કરશે.ઉલ્લેખનીય છે કે કેનેડાના 6 રાજ્યોમાં અત્યારસુધીમાં 100 કેસ સામે આવ્યા છે. જેમાંના 1ની મોત પણ નીપજી છે. ત્યાં વિશ્વભરમાં કોરોનાથી કુલ 4 હજાર 687 લોકોની મોત થઈ છે.
ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રીનો રિપોર્ટ પોઝિટિવ, સ્પેનના મંત્રી પણ સપડાયા
ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટન કોરોના વાઈરસનો શિકાર બન્યા છે, ઓસ્ટ્રેલિયામાં 3 મોત, 164 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે.સ્પેનના મંત્રી ઈરેન મોંટેરો પણ કોરોનાના સંકજામાં આવી ગયા છે. સરકારે ગુરુવારે જણાવ્યું કે, ઈક્વેલિટી મિનિસ્ટર મોંટેરો કોરોના વાઈરસ સંક્રમણની તપાસમાં પોઝિટિવ મળી આવ્યા હતા. મોંટેરોને તેમને એક સાથી, ઉપપ્રધાનમંત્રી કાર્મેન કાલ્વો અને પોડમસ પાર્ટીના નેતા પૈબલો ઈગ્લેસિયાસ સાથે ક્વારૈંટાઈનમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સરકારના તમામ મંત્રીઓને કોરોના વાઈરસની તપાસ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પેનમાં 2,200 લોકોમાં કોરોના વાઈરસ સંક્રમણ થવાની પુષ્ટી કરવામાં આવી છે અને 55 લોકોનું મોત થયા છે.