કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના વિવાદના મુદ્દે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ખાલિસ્તાની હરદીપસિંઘ નિજ્જરની હત્યાને ભારતીય એજન્ટો સાથે સાંકળવાનો હેતુ ભારતને પોતાના દેશમાં એ પ્રકારની કાર્યવાહીને ફરીથી કરતા અટકાવવાનો હતો.
કેનેડિયન પ્રેસ સાથે તાજેતરમાં એક ઇન્ટર્વ્યૂમાં વડાપ્રધાન ટ્રુડોએ જણાવ્યું હતું કે, તેમણે હાઉસ ઓફ કોમન્સમાં 18 સપ્ટેમ્બરે સ્પષ્ટતા સાથે નિવેદન આપ્યું હતું. કારણ કે તેઓ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આ વર્ષે જૂનમાં નિજ્જરની હત્યા પછી “હવે કોણ લક્ષ્યાંક હોય શકે છે અથવા આગળ શું થશે તે બાબતે ચિંતિત” હતા.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ઘણા કેનેડિયનો ભયમાં હોવાથી ચિંતિત હતા, તેથી નિવેદનનો હેતુ વધારાના ‘અવરોધક’ માટેનો હતો.
ટ્રુડોએ કેનેડિયન પ્રેસને જણાવ્યું હતું કે, “અમે એવું અનુભવ્યું હતું કે, તમામ રાજદ્વારી નીતિ અને તમામ માપદંડો જે અમે અમલમાં મૂક્યા હતા અને સુનિશ્ચિત કર્યું હતું કે, આપણી સુરક્ષા સેવાઓ સમુદાયમાં લોકોને સુરક્ષિત રાખવા માટે છે, તેને એક સ્તરે વધુ અટકાવવાની જરૂર છે. તેને ભારત સરકારનું સમર્થન હોવાનું માનવા માટે આપણી પાસે વિશ્વસનીય કારણો છે.
ટ્રુડોએ ભારત સામે જાહેરમાં આક્ષેપો કરવાના અઠવાડિયા અગાઉ ખાસ તો સપ્ટેમ્બરની શરૂઆતમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન “શાંત રહેવાની કૂટનીતિ” અપનાવવાનું મુનાસિબ માન્યું હતું.
આવા નિવેદન અંગે, કેનેડામાં ઇન્ડિયન હાઇ કમિશ્નર સંજય વર્માએ ગ્લોબ એન્ડ મેઈલ અખબારને આપેલા એક ઈન્ટરર્વ્યૂમાં જણાવ્યું હતું કે, તમે ગેરકાયદે વાયરટેપ અને પુરાવા વિશે વાત કરો છો. બે રાજદ્વારીઓ વચ્ચેની ચર્ચા તમામ ઇન્ટરનેશનલ કાયદા દ્વારા સુરક્ષિત છે અને તેનો ઉપયોગ કોર્ટમાં પુરાવા તરીકે અથવા તેને જાહેરમાં પ્રકાશિત કરી શકાતો નથી.