(ANI ફોટો)

ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતના વિદેશી પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા સાથે રાજદ્વારીની સંખ્યામાં સમાનતાનો નિર્ણય વિયેના કરારને સંપૂર્ણપણે અનુરુપ છે. કેનેડાના રાજદ્રારીઓ દ્વારા અમારી આંતરિક બાબતોમાં સતત દખલગીરી અંગેની ચિંતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેનેડાએ ભારતમાંથી 41 રાજદ્વારીને પાછા બોલાવીને ભારત પર આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરવાનો આક્ષેપ કર્યા પછી વિદેશ પ્રધાને આ ટીપ્પણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે રાજદ્વારી વિવાદમાં યુકે અને અમેરિકાએ પણ કેનેડાનું સમર્થન કર્યું છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અંગેના એક સવાલનો જવાબ આપતા જયશંકરે જણાવ્યું હતું કે આ અંગે અમે વધુ વિગતો જાહેર કરી નથી. સમય જતાં વધુ વિગતો બહાર આવશે અને લોકો સમજશે કે તેમાંના ઘણા લોકો સાથે અમને શા માટે અસ્વસ્થતા હતી. અત્યારે સંબંધ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ હું કહેવા માંગુ છું કે કેનેડાના રાજકારણના અમુક વર્ગની નીતિઓને કારણે આ સમસ્યાઓ છે.

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના 18 સપ્ટેમ્બરના આરોપ પછી બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યાં હતા. નવી દિલ્હીએ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા તથા કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરવાની અને કેનેડાના રાજદ્વારીની સંખ્યામાં ઘટાડો કરવાની તાકીદ કરી હતી.

રાજદ્વારી સમાનતાના મુદ્દા અંગે તેમણે જણાવ્યું હતું કે તેની વિયેના સંધિમાં પૂરતી જોગવાઈઓ છે, પરંતુ અમારા કિસ્સામાં અમને કેનેડાના સ્ટાફની સતત દખલગીરીની ચિંતા હતી.

LEAVE A REPLY