કેનેડાએ મંગળવારે નવી ઓપન વર્ક-પરમિટની જાહેરાત કરી હતી. તેનાથી અમેરિકાના 10,000 H-1B વિઝા ધારકો કેનેડામાં જઈને નોકરી કરી શકશે. તેના જીવનસાથીને પણ કેનેડામાં રહેવાનો અને નોકરી કરવાનો મોકો મળશે. કેનેડા વિવિધ પ્રકારની ઉભરતી ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવા માગે છે અને તે અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ તાજેતરમાં છટણી કરી છે તેવા પ્રોફેશનલ્સને આકર્ષવા માગે છે.

H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તેનાથી અમેરિકાની કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખી શકે છે.
કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ પ્રધાન સીન ફ્રેઝરે મંગળવારે જણાવ્યું હતું કે 16 જુલાઈ સુધીમાં કેનેડાની સરકાર 10,000 અમેરિકન H-1B વિઝા ધારકોને કેનેડામાં આવીને કામ કરવાની મંજૂરી આપવા માટે ઓપન વર્ક-પરમિટ સ્ટ્રીમ બનાવશે. આ પ્રોગ્રામ હેઠળ H-1B વિઝા ધારકોના પરિવારના સભ્યોને અભ્યાસ અથવા વર્ક પરમિટ પણ આપવામાં આવશે.

નવા પ્રોગ્રામથી મંજૂર થયેલા અરજદારોને ત્રણ વર્ષ સુધીની ઓપન વર્ક પરમિટ મળશે, જેનો અર્થ છે કે તેઓ કેનેડામાં ગમે ત્યાં લગભગ કોઈપણ કંપની માટે કામ કરી શકશે. તેમના જીવનસાથીઓ અને આશ્રિતો પણ જરૂરિયાત મુજબ વર્ક અથવા સ્ટડી પરમિટ સાથે અસ્થાયી નિવાસી વિઝા માટે અરજી કરવા પાત્ર હશે.

ફ્રેઝરે જણાવ્યું હતું કે અમે ઇમિગ્રેશનમાં જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેના વિશે અમે ઉત્સાહી છીએ કારણ કે તે માત્ર સંખ્યા જ નથી, પરંતુ તે વ્યૂહાત્મક છે. કેનેડાની પ્રથમ વખતની ઇમિગ્રેશન ટેક ટેલેન્ટ વ્યૂહરચના સાથે, અમે એવી ટેક ટેલેન્ડને આવકારી રહ્યાં છીએ કે જેઓ વિવિધ ઊભરતી ટેકનોલોજીમાં કેનેડાને વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી શકે.

LEAVE A REPLY