દેશમાં 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રેઝેનેકા કોરોના વેક્સીન આપવાનું બંધ કરવાની જાહેરાત કરતાં કેનેડાએ મંગળવારે જણાવ્યું હતું કે આ વેક્સીનના લાભ અને જોખમો અંગે વય અને જેન્ડર આધારિત નવા અભ્યાસની જરૂર છે.
યુરોપમાં કેટલાંક લોકોમાં બ્લડ ક્લોટ અને બ્લિડિંગના અહેવાલને પગલે કેનેડાએ આ હિલચાલ કરી છે. કેનેડામાં એસ્ટ્રેઝેનેકા વેક્સીનના આશરે 307,000 ડોઝ આપવામાં આવ્યા છે, પરંતુ આવા કોઇ કેસ નોંધાયા નથી.
કેનેડાના ડેપ્યુટી ચીફ પબ્લિક હેલ્થ ઓફિસર હોવાર્ડ એનજુએ જણાવ્યું હતું કે અમે 55 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે એસ્ટ્રેઝેનેકા વેક્સીનનો ઉપયોગ બંધ કરી રહ્યાં છીએ. વૈકલ્પિક વેક્સીન ઉપલબ્ધ હોવાથી આ એક દૂરંદેશી નિર્ણય છે.
સ્વતંત્ર સંસ્થા નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ ઓફ ઇમ્યુનાઇઝેશન (NACI)એ જણાવ્યું હતું કે 55 વર્ષથી ઓછી ઉંમરના પુખ્ત લોકોને એસ્ટ્રેઝેનેકા વેક્સીન આપવાના લાભ અંગે હાલમાં ઘણી અનિશ્ચિતતા છે.
એસ્ટ્રેઝેનેકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે NACIના નિર્ણયનું સન્માન કરે છે અને હેલ્થ કેનેડાના આકલન અંગે તેમના સંપર્કમાં છે. બ્રિટનની આ ફાર્મા કંપનીએ પુનરુચ્ચાર કર્યો હતો કે બ્રિટન, યુરોપિયન યુનિયન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આ વેક્સીનના જોખમ કરતાં લાભ વધુ હોવાનું જણાયું છે.