કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ વિરોધના હકનું રક્ષણ કરે છે. આ સ્થિતિ ચિંતાજનક છે. ભારતના ખેડૂતોના આંદોલન અંગે ટિપ્પણી કરનારા ટ્રુડો વિશ્વના પ્રથમ નેતા છે.
સોમવારે ગુરુ નાનકદેવની જન્મજયંતી નિમિત્તે ઓનલાઇન ઇવેન્ટમાં શીખોને સંબોધીને કરેલા વિડિયો પ્રવચનમાં તેમણે કહ્યું કે ભારતમાંથી ખેડૂતોના આંદોલનના ન્યૂઝ આવી રહ્યા છે. સ્થિતિ ચિંતાજનક છે. અમે પરિવાર અને મિત્રો માટે ચિંતિત છીએ. હું જાણું છું તે આ તમારા ઘણા માટે વાસ્તવિકતા છે. હું તમને યાદ અપાવું છું કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ વિરોધના હકનું જતન કરે છે.
ભારતમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતોએ દિલ્હી ચલો આંદોલન ચાલુ કર્યું છે અને ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હીની સીમા પર એકઠા થયા છે.
કેનેડાના વડાપ્રધાન અને બીજા નેતાઓના આ નિવેદનો સામે ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આ નિવેદનો બિનજરૂરી છે, કારણ કે આ મુદ્દો એક લોકશાહી દેશની આંતરિક બાબત છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરામ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતના ખેડૂતો અંગે કેનેડાના નેતાઓએ અધુરી માહિતી આધારે કેટલીક ટિપ્પણી કરી છે. આવી ટિપ્પણી બિનજરૂરી છે. કેનેડાને આકરો સંદેશ આપતા મંત્રાલયે જણાવ્યું હતું કે રાજદ્રારી વાતચીતનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ ન કરવો જોઇએ.