કેનેડાએ અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ તૈયાર કરેલી કોરોનાની વેક્સિનને મંજૂરી આપી હોવાની બુધવારે આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી. બે સપ્તાહ પહેલા કેનેડાએ ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપી હતી. મોડર્નાની વેક્સિનને મંજૂરી આપનાર કેનેડા હવે અમેરિકા પછી બીજો દેશ બન્યો છે.
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડા હેલ્થે નિર્ધારિત કર્યું છે કે મોડર્નાની વેક્સિન સેફ્ટી, અસરકારકતા અને ક્વોલિટીના નિયમોનું પાલન કરે છે.
મોડર્નાની વેક્સિનને માઇનસ 20 ડિર્ગી સેલ્સિયસ (માઇનસ ચાર ડિગ્રી ફેરનહીટ)માં સ્ટોર કરી શકાય છે. આની સામે ફાઇઝરની વેક્સિનને માઇનસ 70 ડિર્ગી સેલ્સિયસમાં રાખવી પડે છે. તેથી મોડર્નાની વેક્સિનનું વિતરણ તુલનાત્મક રીતે સરળ છે.
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અગાઉ જણાવ્યું હતું કે કેનેડાને ડિસેમ્બરના અંત પહેલા મોડર્ના વેક્સિનના 168,000 ડોઝ મળશે. કેનેડાએ કુલ 40 મિલિયન ડોઝ માટે સમજૂતી કરી છે. મોડર્નાની વેક્સિનને મંજૂરીને 48 કલાકમાં તેની ડિલિવરી ચાલુ થશે.