કેનેડાએ ભારતમાં રાજદ્વારી મિશનમાંથી ડઝનબંધ ભારતીય કર્મચારીઓને હટાવ્યા છે. ભારતમાં રાજદ્રારી કામગીરીના અસરકારક સંચાલન માટે જરૂરી કેનેડિયન અધિકારીઓની અછતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેનેડાએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે નિજ્જર વિવાદ પછી ભારતે ગયા વર્ષે કેનેડાના 41 ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી હતી. આ પછી કેનેડાએ મુંબઈ, ચંદીગઢ અને બેંગલુરુમાં તેના કોન્સ્યુલેટમાં રૂબરુ કામગીરી બંધ થઈ હતી.
41 ડિપ્લોમેટની હકાલપટ્ટીને કારણે ભારતમાં કેનેડિયન દૂતાવાસમાં કામ કરતો ભારતીય સ્ટાફ પણ વધી પડ્યો હતો. કેનેડાએ ભારત ખાતે પોતાના દૂતાવાસમાંથી કેટલા ભારતીયોને કાઢી નાખ્યા છે તેનો ચોક્કસ આંકડો અપાયો નથી. પરંતુ આ આંકડો 100થી નીચો છે એવું માનવામાં આવે છે.
હાઈ કમિશનના એક અધિકારીએ પણ ભારતમાં પોતાનો સ્ટાફ ઘટ્યો હોવાના અહેવાલની પુષ્ટિ આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે કેનેડિયન સ્ટાફ ઘટાડવામાં આવ્યો તેના કારણે ભારતીય સ્ટાફની પણ છટણી કરવાનું જરૂરી બની ગયું હતું.
જોકે કેનેડિયન અધિકારીઓએ જણાવ્યું કે આનાથી વિઝાની કામગીરી પર કોઈ અસર નહીં થાય. કેનેડા પોતાના નાગરિકોને ભારતમાં મહત્ત્વની સેવાઓ આપવાનું ચાલુ રાખશે. તેમાં ટ્રેડ અને બિઝનેસ સપોર્ટનો સમાવેશ થાય છે, જેથી કરીને ભારત અને કેનેડા બંને દેશના નાગરિકોને આ જોડાણનો ફાયદો થાય.
તેમણે જણાવ્યું કે ભારતમાં કેનેડાના વિઝા એપ્લિકેશન સેન્ટર એકદમ નોર્મલ રીતે કામ કરી રહ્યા છે. ગયા વર્ષે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ મૂક્યા હતા. તેના કારણે ભારતે ઉગ્ર રિએક્શન આપ્યું હતું અને કેનેડાના 41 ડિપ્લોમેટને તાત્કાલિક દેશ છોડી જવા આદેશ આપ્યો હતો. બે દિવસ અગાઉ પણ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ કેનેડિયન લોકોની સ્વતંત્રતાનનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.