ઠંડા પ્રદેશોમાં સામેલ કેનેડા છેલ્લાં એક સપ્તાહમાં વિક્રમજનક ગરમીને કારણે આશરે 700 લોકોના મોત થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ગરમીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં એક સપ્તાહમાં 700થી વધુ લોકોના મોત થયા હતા. અસાધારણ હીટવેવ 25 જૂને ચાલુ થઈ હતી અને ગરમીએ સતત ત્રણ દિવસ સુધી રેકોર્ડ તોડ્યો હતો. ગરમીને કારણે જંગલોમાં 170 જગ્યાએ આગ પણ લાગી હતી.
અમેરિકાના ઓરેગોન અને વોશિંગ્ટનમાં પણ ગરમીને કારણે અનેક લોકોના મોત થયા હતા. વોશિંગ્ટન સત્તાવાળાએ જણાવ્યું હતું કે ગરમીને કારણે 30 લોકોના મોત થયા હતા. ઓરેગોનમાં પણ મોતનો આંકડો વધીને 95 થયો હતો.
બ્રિટિશ કોલંબિયાના ચીફ કોરોનરે જણાવ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહમાં 719 લોકોના આકસ્મિક અને અણધાર્યા મોત નોંધાયા છે. વર્ષના આ સમયગાળામાં થતાં મોત કરતાં આ સંખ્યા ત્રણ ગણી વધુ છે. મોતની સંખ્યામાં વધારા માટે ભીષણ ગરમી એક મોટું કારણ છે. કોરોનર્સના ઓફિસને જણાવ્યા અનુસાર સામાન્ય રીતે વર્ષના આ સમયગાળામાં 230 લોકોના મોત થતાં હોય છે.
મંગળવારે બ્રિટિશ કોલંબિયાના લિટ્રોનમાં તાપમાન 121 ફેરનહીટ (49.1 સેલ્સિયસ) પહોંચ્યું હતું. અગાઉ કેનેડામાં તાપમાન ક્યારેય 113 ફેરનહીટથી વધ્યું ન હતું. છેલ્લે 1937માં કેનેડામાં 113 ફેરનહીટ તાપમાન નોંધાયું હતું. કેનેડાના વેધર સર્વિસે જણાવ્યું હતું કે, આકરી ગરમીનું વર્ણન કરવા માટે શબ્દો નથી અને બ્રિટિશ કોલમ્બિયામાં નોંધાયેલું રેકોર્ડ તાપમાન લાસ વેગાસમાં નોંધાયેલા સર્વકાલીન રેકોર્ડથી પણ વધી ગયું છે. 10,000 વર્ષોમાં એક વખત ઊભી થતી આવી પરિસ્થિતિ હીટ ડોમના કારણે થાય છે. જેનો મતલબ છે કે વાતાવરણમાં ગરમી અત્યંત વધી જાય છે અને તે દબાણ ઊભું કરે છે અને પવનની પેટર્નને પણ અસર કરે છે.
પોલીસ સાર્જન્ટ સ્ટીવ એડિસને જણાવ્યું હતું કે, વેનકુંવરમાં અગાઉ આવું તાપમાન ક્યારેય નોંધાયું નથી, કમનસીબે ઘણા લોકો તેના કારણે મૃત્યુ પામી રહ્યા છે. વેનકુવરના કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેમણે અગાઉ ક્યારેય આવી ગરમી અનુભવી નથી.