કેનેડિયન શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ટાગ્રેટ બનાવતા નવા પગલામાં કેનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS)ને તાકીદની અસરથી બંધ કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી.
આનાથી ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ-ટ્રેક સ્ટડી પરમિટના દરવાજા બંધ થયા છે. કેનેડાના પગલાંથી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવા માગતા ભારતીય વિદ્યાર્થીનો સૌથી વધુ અસર થવાની ધારણા છે.ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ 2018માં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. ભારત સહિત 14 દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ પ્રોગ્રામ શરૂ કરાયો હતો. તેનાથી ચોક્કસ શરતોનું પાલન કરતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને દર વર્ષે ફાયદો થયો હતો.

આ પ્રોગ્રામ હેઠળથી ઝડપથી વિઝા મેળવવા માટેની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની મુખ્ય બે શરતોમાં 20,635 કેનેડિયન ડોલરની ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC) તથા અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષાનો ટેસ્ટ પાસ કરવાનો સમાવેશ થાય છે. વિઝાની પ્રક્રિયા ઝડપી, સંક્ષિપ્ત અને સુવ્યવસ્થિત હતી. તેનાથી માત્ર થોડા સપ્તાહમાં ટ્રાવેલ અને સ્ટે-પરમિટ મળતી હતી, જેને સામાન્ય કિસ્સામાં ઘણા મહિનાઓ લાગતા હોય છે.

કેનેડાની સરકારે ફાસ્ટ-ટ્રેક સર્વિસ શા માટે સમાપ્ત કરી તે અંગે કોઇ વિગતવાર માહિતી આપી નથી, પરંતુ ટ્રુડો સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોને સંડોવણીનો આક્ષેપ કર્યા પછી બંને દેશો વચ્ચે સંબંધો તંગ છે ત્યારે કેનેડાએ આ હિલચાલ કરી છે.

કેનેડાના સત્તાવાળા કહે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓની અરજીઓમાં જંગી ઉછાળાને કારણે કેનેડાની ઇમિગ્રેશન એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ પર મોટું દબાણ આવ્યું છે.

કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનો મુખ્ય સ્રોત ભારત છે. 2023માં આશરે બે લાખ ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ મેળવી હતી. હવે ફાસ્ટ-ટ્રેક પ્રોગ્રામ વગર ભારતીય અરજદારોએ સ્ટડી પરમિટ માટે લાંબી રાહ જોવી પડે તેવી શક્યતા છે. ભારતીય વિદ્યાર્થીઓએ હવે સમયસર તેમની સ્ટડી પરમિટ મેળવવા વધારાના અવરોધોનો સામનો કરવો પડશે.

LEAVE A REPLY