કેનેડાના સત્તાવાળાએ રવિવારે બ્રેમ્પ્ટન શહેરમાં શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડના અહેવાલને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે રિપેરિંગ વર્ક દરમિયાન હંગામી ધોરણે આ પાર્કનું બ્લેન્ક સાઇન બોર્ડ રાખવામાં આવ્યું હતું. ભારતે આ ઘટનાની આકરી ટીકા કરીને તાકીદે પગલાં લેવાની માગણી કર્યાના થોડા કલાકમાં કેનેડાના સત્તાવાળાએ આ સ્પષ્ટતા કરી હતી.
અગાઉ ટ્રોયલ પાર્ક તરીકે ઓળખાતા આ પાર્કનું 28 સપ્ટેમ્બરે શ્રી ભગવદ ગીતા પાર્ક નામ આપવામાં આવ્યું હતું. કેનેડા સ્થિત ભારતીય હાઈકમિશને રવિવારે ટ્વિટ કરીને નિંદા કરી હતી. તેમાં લખ્યું હતું કે ‘અમે શ્રી ભગવદગીતા પાર્કમાં કરવામાં આવેલી તોડફોડની નિંદા કરીએ છીએ. અમે કેનેડાની ઓથોરટી અને પોલીસને આ ઘટના માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી માગણી કરીએ છીએ.’
બ્રેમ્પ્ટનના મેયર પેટ્રીક બ્રાઉને રવિવારે રાત્રે ટ્વીટર પર સ્પષ્ટતા કરી હતી હતી કે તાજેતરમાં ખુલ્લા મૂકવામાં આવેલા ભગવદ ગીતા પાર્કમાં તોડફોડના ગઇકાલના અહેવાલોને પગલે અમે તાકીદે પગલાં લઇને વધુ તપાસ કરી હતી. અમને જાણવા મળ્યું છે કે કથિત બ્લેન્ક સાઇનબોર્ડ પ્લેસહોલ્ડર તરીકે બિલ્ડરે મૂક્યું હતું. આ વ્યવસ્થા કાયમી ભગવત ગીતા પાર્ક સાઇન ન મૂકવામાં આવે ત્યાં સુધીની હતી. બ્રાઉને આ મુદ્દે ધ્યાનમાં મૂકવા બદલ ઇન્ડિયન કમ્યુનિટીનો આભાર માન્યો હતો. રિજનલ પોલીસે પણ જણાવ્યું હતું કે કાયમી સાઇન કે પાર્કના સ્ટ્રક્ચરમાં તોડફોડના કોઇ પુરાવા નથી.
હજુ 10 દિવસ પહેલા જ કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં રહેતા ભારતીયો માટે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરી કેનેડામાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઈમને લઈને જાહેર કરવામાં આવી હતી.