કેનેડામાં 2019 અને 2021માં યોજાયેલી ફેડરલ ચૂંટણીઓમાં વિદેશીઓના હસ્તક્ષેપ અંગે કમિશન (પેનલ) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કમિશને સરકારને આ સંદર્ભે ભારત સંબંધિત માહિતી આપવા જણાવ્યું હતું. કમિશને તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “2019 અને 2021ની ચૂંટણીમાં ભારત સંબંધિત કથિત હસ્તક્ષેપ અંગેની માહિતી અને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે કેનેડાની સરકારને વિનંતી કરી હતી.”
આ કમિશનની અધ્યક્ષતા ક્યુબેક જજ મેરી-જોસી હોગ કરી રહ્યા છે અને તેની રચના “2019 અને 2021ની ફેડરલ ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.” આ તપાસ શાસક લિબરલ પાર્ટીની કથિત તરફેણમાં ચૂંટણીઓમાં ચીનના હસ્તક્ષેપ અંગે ગ્લોબ એન્ડ મેઇલ અને ગ્લોબલ ન્યૂઝના રીપોર્ટ પર આધારિત થઇ રહી છે. કમિશન “આ મુદ્દાઓ સંબંધિત ફેડરલ સરકારની અંદર માહિતીના આદાન-પ્રદાનની તપાસ કરશે.” કમિશન તેનો વચગાળાનો રીપોર્ટ 3 મે, 2024 સુધીમાં પૂર્ણ કરશે અને 31 ડિસેમ્બર, 2024 સુધીમાં તેનો અંતિમ રીપોર્ટ રજૂ કરે તેવી સંભાવના છે.
18 સપ્ટેમ્બરના રોજ હાઉસ ઓફ કોમન્સમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ ઊભી થઇ હતી. કેનેડાએ વિશ્વાસપૂર્વક આક્ષેપ કર્યો હતો કે, ભારતીય એજન્ટો અને સરેમાં ખાલિસ્તાની હરદીપ સિંઘ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત સંબંધ છે.