કેનેડાના નોવા સ્કોસિયા પ્રાંતના ટ્રુરો ટાઉનમાં ભારતના 23 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. ભારતીય સમુદાયના સભ્યોએ હેટ ક્રાઇમની આશંકા વ્યક્ત કરી હતી. ટ્રુરો પાલીસ સર્વિસના ડેવિડ મેકનીલે પ્રભજોત સિંઘ ખત્રીના મોતને પુષ્ટી આપી હતી.
આ ઘટનાને પગલે ઓટ્ટાવા ખાતેના ભારતના હાઇ કમિશને ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા કેનેડા સરકારને તાકીદ કરી હતી.
મળતી માહિતી મુજબ, આ યુવક તેના બહેન અને બનેવી સાથે છેલ્લા 4 વર્ષથી રહેતો હતો. રવિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ આ યુવક પર હુમલો કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ યુવક કેનેડામાં ટેક્ષી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ યુવકના પરિવારે ભારત સરકાર અને કેનેડા સ્થિત ભારતીય એમ્બસી પાસે મદદ માંગી છે કે, આ મૃત યુવકના પાર્થિવ દેહને જલ્દી ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. જેથી તેના અંતિમ સંસ્કાર તેના મૂળ વતનમાં થઈ શકે.
