કેનેડા સરકારે 20 જૂનથી તેના નાગરિકો માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે ફરજિયાત કોરોના વેક્સિનેશનના નિયમને દૂર કરવાની જાહેરાત કરી છે. દેશના સ્થાનિક પરિવહન ક્ષેત્ર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પણ હવે વેક્સિનેશનની જરૂર નહીં પડે. જોકે વિદેશી નાગરિકો માટે કેનેડા પ્રવેશ વખતે વેક્સિનની જરૂરિયાતના નિયમમાં કોઇ ફેરફાર કરાયો નથી.
ફુલી વેક્સિનેટેડ ન હોય તેવા વિદેશી નાગરિકોને કેનેડામાં પ્રવેશ મળશે નહીં.સરકાર વિભાગો દ્વારા મંગળવારે જારી કરાયેલી સંયુક્ત અખબારી યાદી મુજબ બોર્ડર પર વેક્સિનેશનનો નિયમ અમલી રહેશે. તેનાથી કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ઇન્ટરનેશનલ ટ્રાવેલની સંભવિત અસરને ઘટાડી શકાશે તથા ભાવિ કોરોના વેરિયન્ટ સામે સુરક્ષા મળશે. જોકે માસ્ક જેવા બીજા આરોગ્ય સંબંધિત નિયમો અમલી રહેશે અને તેનો વિમાન કે ટ્રેન મારફતની મુસાફરી દરમિયાન લાગુ પડશે. નિયમમાં ફેરફારને કારણે કેનેડાના વેક્સિન ન લીધેલા લોકો વિમાન, ટ્રેન કે બસમાં ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ લોકેશન પર પ્રવાસ કરી શકશે, જોકે આંતરરાષ્ટ્રીય સ્થળોથી પરત આવતી વખતે ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઇનના નિયમો લાગુ પડશે.