ભારતને કોરોના વાઇરસની અસાધારણ બીજી વેવનો સામનો કરવા માટે કેનેડા ભારતને 10 મિલિયન ડોલરની સહાય આપશે, એવી કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડ્રોએ જાહેરાત કરી હતી.
ટ્રુડોએ કહ્યું હતું કે, આ નાણાકીય મદદમાંથી ભારતને એમ્બ્યુલન્સ, પીપીઈ કિટ અને બીજા જરુરી સામાન ખરીદવામાં મદદ મળશે. આ રકમ કેનેડાની રેડ ક્રોસ સોસાયટી થકી ભારતની રેડ ક્રોસ સોસાયટીને મોકલવામાં આવશે.
ટ્રુડોએ કહ્યુ હતુ કે, ભારતમાં જે પ્રકારની સ્થિતિ છે તેનાથી કેનેડાના નાગરિકો ચિંતિત છે.અમને ખબર છે કે ત્યાં અમારા મિત્રો છે અને તેમને મદદ કરવાની છે.આ માટે ભારત સાથે સતત વાતચીત ચાલુ જ છે.કેનેડાથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને દવાઓ પણ મોકલવાની તૈયારી થઈ રહી છે.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે વધારાના મેડિકલ સપ્લાયના ડોનેશન સહિત કેનેડા કેવી રીતે મદદ કરી શકે તે માટે બંને દેશોના વિદેશ પ્રધાનો વિચારવિમર્શ કરી રહ્યાં છે.
ભારતમાં હોસ્પિટલો, દવાઓ, ઓક્સિજનની તીવ્ર અછત વચ્ચે બુધવારે કોરોના વાઇરસના સતત સાતમાં દિવસે ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા હતા. તેનાથી કોરોના કુલ મોતનો આંકડો 2 લાખને વટાવી ગયો હતો.