ગરવી ગુજરાતનાં નિયમિત વાચક જણાવે છે કે; ‘મારા બનેવી 60 વર્ષના છે. ક્યારેય કોઈ વ્યસન-દારૂનું સેવન નથી કર્યું. ડાયાબીટીશ, બ્લડપ્રેશરની દવાઓ નિયમિત લે છે. થોડા વર્ષો પહેલાં પેટમાં દુઃખાવો થતાં ગોલબ્લેડર સ્ટોનનું નિદાન થતાં, નળીમાં સ્ટોન ફસાયેલ હોવાથી તાત્કાલિક સર્જરી કરાવેલ. પરંતુ ડાયજેશન સબંધિત તકલીફ રહ્યાા કરે છે. હમણાં બધા ઈન્વેસ્ટિગેશન કરાવ્યાં તો તેમાં ગોલબ્લેડરમાં નાના સ્ટોન્સ ફરીથી દેખાય છે. ક્યારેય દેશી દવા નહીં લીધેલી હોવાથી, તેઓ આયુર્વેદમાં ગોલસ્ટોનની ટ્રીટમેન્ટ થાય કે કેમ તે જાણવા માગે છે. ડાયજેશન બગડવાથી વજન ઉતરે છે, મસલ્સ ઝડપથી ઘટી રહ્યાં છે. હવે બને ત્યાં સુધી નેચરલ અને ડાયટ થેરાપીથી જ ટ્રીટમેન્ટ કરાવવા માગે છે. માર્ગદર્શન કરવા વિનંતી’ ઉપર જે ગોલબ્લેડર સ્ટોનની સમસ્યા વિશે જણાવ્યું છે તે બાબતે આયુર્વેદીય ટ્રીટમેન્ટ બે રીતે ફાયદાકારક બને છે. એક તો ગોલસ્ટોનને દૂર કરવા અને ફરીથી ગોલસ્ટોન ન બને તે માટે જરૂરી ઉપચાર કરીને. આ માટે ગોલબ્લેડર સ્ટોન થવાનાં કારણો અને અટકાવવાના સરળ ઉપચાર બન્ને વિશે પેશન્ટને માહિતગાર કરી અને વ્યક્તિગત રીતે પેશન્ટની લાઈફસ્ટાઈલ, ખાન-પાન પ્રકૃતિ વગેરેને ધ્યાનમાં રાખી રોગ દૂર કરવા માટે અને ગોલસ્ટોન ફરીથી ન થાય તેવા ઘરગથ્થુ ઉપચાર સાથે આવશ્યક સૂચનો આપવામાં આવે છે.
ગોલસ્ટોન કેમ બને છે?
ગોલબ્લેડર-પિત્તાશય એનાં નામ પરથી જ સ્પષ્ટ થાય છે, કે જ્યાં પિત્ત જમા થઈને રહે છે તે- પિત્તનું આશય- પિત્તાશય. પિત્તાશય પેટમાં જમણી બાજુએ લીવરની નીચે ઝમરૂખ જેવા આકારનું અવયવ છે. જેમાં લિવર દ્વારા યલોયીશ બ્રાઉન કોન્સન્ટ્રેટેડ બાઈલ (પિત્ત) મોકલવામાં આવે છે. ખોરાકનાં પાચન માટે આહાર રસમાં આ બાઈલ ભળવાથી ખોરાકના વિવિધ પૌષ્ટિક તત્ત્વોનું યોગ્ય રીતે પાચન થવામાં સરળતા રહે છે. આ પિત્તમાં વિકૃતિ થવાને પરિણામે તે યોગ્ય રીતે પ્રવાહીત ન થઈ શકે કે પછી તે વધુ ઘટ્ટ થવા લાગે અને ઘન સ્વરૂપમાં ફેરવાય ત્યારે ‘પિત્તાશ્મરી’- ગોલસ્ટોન બને છે. વાચકોને સમજવામાં સરળતા રહે તેથી ખૂબ વિશિષ્ટ અને કોમ્પ્લેક્સ જૈવરાસાયણિક પ્રક્રિયાને સરળતાથી સમજાવ્યું છે. યકૃત દ્વારા બનેલા પાચક રસો, પિત્તનું બનવું, પ્રવાહીત થવું પિત્તાશયમાં એકઠું થવું, યોગ્ય સમયે પાચન માટે આંતરડામાં ખોરાક સાથે આ પિત્તનું ભળવું વગેરે પ્રક્રિયામાં વાયુ તત્ત્વની સંચાલક ઊર્જા, કફ તત્વની આવશ્યક આર્દતા ,પાચક પિત્તની આગ્નેય ઊર્જા – જેનું સંતુલિત હોવું જરૂરી છે. ખોરાક સબંધિત કે અન્ય કારણોથી જ્યારે પિત્ત વિકૃત થાય તેની અસર ગોલબ્લેડરમાં સંચિત થતાં પિત્ત પર પણ થાય છે. આથી જ
• વારંવાર હાયપર એસિડિટી થતી હોય,
• વારંવાર ઈનડાયજેશન થતું હોય,
• લિવર સબંધિત કોઈ નબળાઈ હોય,
• કોલેસ્ટ્રોલનું પ્રમાણ લોહીમાં વધારે રહેતું હોય,
• લીવરના એન્ઝાઈમ્સ બીલીરૂબીન વગેરે સંતુલિત ન હોય ત્યારે માત્ર
• કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ લઈ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો પ્રયત્ન કર્યા કરવો,
• ડાયાબિટીશની દવાઓ પર આધાર રાખી અનિયંત્રિત બ્લડસુગરને અવગણ્યા કરવું,
• એન્ટાસીડ લીક્વીડ પીને એસીડીટીની બળતરા મટાડવા સાથે ખોરાકમાંથી વધુ માત્રામાં તેલ-ફેટ, મસાલા-તીખાશ વગેરે દૂર ન કરવા જેવી ભૂલોથી શરીરનાં પાચન માટે આવશ્યક કામગીરી કરતાં એન્ઝાઈમ્સ, બાઈલ વગેરે બનાવતા લિવર, પેન્ક્રિયાસ, ગોલબ્લેડર વગેરે અવયવોની કામગીરી વધુ બગડે છે.
આથી હાયપર એસિડિટી, ડાયાબિટીશ, લિવરના રોગ, ફેટી લિવર, કોલેસ્ટ્રોલમાં અનિયમિતા જેવી તકલીફ હોય તેઓએ આ બધી તકલીફ થવા માટે જવાબદાર અવયવોની કામગીરી સુધરે તે માટે ખોરાકમાં …..
• સ્ટ્રેસ, એન્ઝાયટી, સમયનો અભાવ વગેરે માનસિક ભાવની અાડઅસર પિત્તનું સંતુલન બગાડે છે.
• લાંબો સમય સૂર્યતાપ, ગરમી, બાફ-ભઠ્ઠીવાળા વાતાવરણમાં રહેવાનું થતું હોય તે સાથે યોગ્ય માત્રામાં પાણી, જલીય પદાર્થો ન લેવાતાં હોય. આવા કારણોથી પણ વિકૃત થયેલું પિત્ત પિત્તાશ્મરીનું કારણ બને છે.
પ્રિવેન્શન માટે શું કરવું?
• પિત્તાશ્મરી થવાનાં જે તે કારણો લાગુ પડતા હોય તે માટે સતર્ક રહેવું.
• ડાર્ક કલરનો યુરીન, મળનો રંગ ફિક્કો હોય
• ઓડકાર બહુ આવતાં હોય, જમ્યા પછી પેટમાં આફરો થતો હોય
• પેટમાં જમણી બાજુએ દુઃખાવો કે ડિસ્કમ્ફર્ટ હોય
• ઉલ્ટી-ઉબકા જેવી તકલીફ થતી હોય…
ત્યારે અવગણવું નહીં. યોગ્ય દાક્તરી તપાસ કરાવવી અને સૂચવેલા ઉપચારોમાં માત્ર દવાઓ જ નહીં તે સાથે જે અન્ય સૂચનો અપાયા હોય તેનું પણ પાલન કરવું.
• બાલાસન, પવનમુક્તાસન, ભૂંજગાસન, શવાસન જેવા યોગાસન અને પ્રાણાયામ યોગ્ય માર્ગદર્શનમાં નિયમિત કરવાથી રોગ થતો અટકાવી શકાય છે.
• વરીયાળી, ધાણા, કાળીદ્રાક્ષ, શતાવરી, સુગંધીવાળો, સાકર, કપૂર કાચલી જેવા પિત્તને સંતુલિત કરે તેવા દ્રવ્યોનો વૈજ્ઞાનિક પદ્ધતિસર ઉપયોગ શી રીતે થઈ શકે તે આયુર્વેદ વિશેષજ્ઞ પાસેથી જાણી અને ઉપયોગ કરવો.
પિત્તશ્મરી-ગોલસ્ટોનનો ઉપચાર
પિત્તશ્મરીની સાઈઝ વગેરે અાવશ્યક બાબતોને ધ્યાનમાં રાખી આયુર્વેદ વિશેષજ્ઞ ડાયેટ થેરાપી સાથે ભૂમ્યામ્લકી, ભૃંગરાજ વગેરે વનસ્પતિઓથી બનેલી અને અમુક વિશિષ્ટ રસૌષધિઓથી બનેલી દવાઓથી ગોલસ્ટોનની ચિકિત્સા કરી અને ફરીથી થતાં અટકાવી શકે છે.