ભારતની સુપ્રીમ કોર્ટે એ મહત્ત્વના કેસની સુનાવણી કરશે કે મુસ્લિમ છોકરી તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે કે નહીં. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકારતી રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચની અરજીની સુનાવણી કરવા સર્વોચ્ચ અદાલત સંમત થઈ હતી.
આ કેસમાં અગાઉ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે 15 વર્ષની મુસ્લિમ યુવતી પર્સનલ લો મુજબ કાયદેસર અને માન્ય લગ્ન કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે હાઇકોર્ટના આ ચુકાદાને અન્ય કોઈ કેસમાં પૂર્વવર્તી આધાર ન બનાવી શકાય.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે હરિયાણા સરકાર અને અન્ય લોકોને નોટિસ જારી કરી હતી અને કોર્ટને મદદ કરવા માટે આ મામલે વરિષ્ઠ વકીલ રાજશેખર રાવની એમિકસ ક્યુરી તરીકે નિમણૂક કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે 14, 15, 16 વર્ષની મુસ્લિમ છોકરીઓના લગ્ન થઈ રહ્યા છે. ઇસ્લામમાં લાગુ પડતા પર્સનલ લો અનુસાર તરુણાવસ્થા પ્રાપ્ત કરવાની ઉંમર 15 વર્ષ છે.