લોકસભાની ચૂંટણીના ચોથા રાઉન્ડમાં 13મેએ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર યોજનારી ચૂંટણી માટે શનિવાર, 11 મેની સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા હતા. ચોથા તબક્કાના ચૂંટણી પ્રચારમાં અનામત, તુષ્ટિકરણની રાજનીતિ, ભ્રષ્ટાચાર અને રોજગારી, અદાણી-અંબાણી, સામ પિત્રોડા જેવા જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યાં હતાં.
13મે, સોમવારે તેલંગાણાની 17, આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્ય પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ તથા જમ્મુ અને કાશ્મીરમાં એકની એક બેઠક પર મતદાન થશે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ પાસે આ 96 બેઠકોમાંથી 40થી વધુ બેઠકો પર સાંસદો છે.
ચૂંટણીના મેદાનમાં રહેલા અગ્રણી ઉમેદવારોમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (કનૌજ, યુપી), કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ (બેગુસરાય, બિહાર) અને નિત્યાનંદ રાય (ઉજિયારપુર, બિહાર), કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (બહેરામપુર, પશ્ચિમ બંગાળ), ભાજપના પંકજા મુંડે (બીડ, મહારાષ્ટ્ર), AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ, તેલંગાણા) અને આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વાયએસ શર્મિલા (કડપા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન અજય કુમાર મિશ્રા, ટીએમસી નેતા મહુઆ મોઇત્રાના ભાવિ પણ નિર્ધારિત થશે.
આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. આંધ્રપ્રદેશમાં વાયએસઆરસી, કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે ત્રિકોણીય જંગ છે. રાજ્યમાં ભાજપે ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી અને પવન કલ્યાણની આગેવાનીવાળી જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.
આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ YSRCP રાજ્યની તમામ 175 વિધાનસભા બેઠકો અને 25 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એનડીએના ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણીના સોદાના ભાગરૂપે, ટીડીપીને 144 વિધાનસભા અને 17 લોકસભા બેઠકો ફાળવવામાં આવી હતી જ્યારે ભાજપ છ લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે. જનસેના બે લોકસભા અને 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, YSRCPએ 22 લોકસભા બેઠકો જીતી હતી, જ્યારે TDPને માત્ર 3 બેઠકો મળી હતી.
ઉત્તરપ્રદેશની 13 લોકસભા બેઠકોમાં કન્નૌજમાં સપાના વડા અખિલેશ યાદવ અને ભાજપના વર્તમાન સાંસદ સુબ્રત પાઠક વચ્ચે સૌથી રસપ્રદ મુકાબલો થશે. ઉન્નાવમાં ભાજપના સાંસદ સાક્ષી મહારાજ સપાના અન્નુ ટંડન સામે ચૂંટણી લડી રહ્યાં છે.