ભારતમાં આગામી સમયગાળામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય પક્ષોનો ચૂંટણીપ્રચાર ચરસસીમાએ પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ સહિતના રાજ્યોમાં તાબડતોડ જાહેરસભાઓ કરીને લોકોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યાં છે.
મહાદેવ સટ્ટાબાજી એપના મુદ્દે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે રાજ્યની જનતાને લૂંટવાની એક પણ તક છોડી નથી. તેઓએ ‘મહાદેવ’ના નામને પણ છોડ્યું નથી. માત્ર બે દિવસ પહેલા રાયપુરમાં ઇડીએ એક મોટી કાર્યવાહી કરી હતી અને રોકડનો મોટો ઢગલો જપ્ત કર્યો હતો. લોકો કહી રહ્યા છે કે આ પૈસા સટ્ટાબાજીના છે અને તેમણે છત્તીસગઢના ગરીબો અને યુવાનોને લૂંટીને એકઠા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ આ જ પૈસાથી ઘર ભરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાએ જણાવવું જોઈએ કે આ કેસના આરોપીઓ સાથે તેમના શું સંબંધો છે.
કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસે શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ અને આવકવેરા વિભાગ ભાજપના પ્રચારકો અને ફ્રન્ટલાઈન યોદ્ધાઓ છે જેમને વિપક્ષી નેતાઓને ડરાવવા અને તેમને શાસક પક્ષમાં જોડાવવા માટે ટાર્ગેટ આપવામાં આવેલા છે.
રાજસ્થાન ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એક ચિટ ફંડ કેસ સંબંધિત મામલાનું સમાધાન કરવા માટે રૂ.15 લાખની લાંચ લેવાના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી અને તેમના સહયોગીની ધરપકડ કર્યાના એક દિવસ બાદ કોંગ્રેસે સરકાર પર આ પ્રહાર કર્યાં છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ઇડી, CBI અને IT વિભાગ તમામ ભાજપના “સરકારી પ્રચારક” છે. તેમને વિપક્ષી નેતાઓને ડરાવવા અને ભાજપમાં જોડાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે. આ મોદીજીની ટૂલકિટ છે. કોંગ્રેસ ઇચ્છે છે કે દેશની તપાસ એજન્સીઓ શક્તિશાળી અને નિર્ભય રહે.
કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારના એક અઠવાડિયા પહેલા ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો આસમાનને આંબી રહી છે ત્યારે કોઈ દિવાળી કેવી રીતે ઉજવશે તેનો સરકારે જવાબ આપવો જોઈએ. ડુંગળી, ખાંડ અને દાળના ભાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું હતું કે ભારત બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં ડુંગળીના ભાવ અચાનક જ ઝડપથી વધવા લાગ્યા છે. ગયા વર્ષે આપણા ખેડૂત ભાઈઓએ 31 લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન કર્યું હતું. તે ક્યાં છે? તે મોટા ઉદ્યોગપતિના વેરહાઉસમાં છે કે પછી બેદરકારીને કારણે તે સરકારી વેરહાઉસમાં સડી ગઈ છે?