(ANI Photo)

અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામ લલ્લાનો તેમની જન્મભૂમિમાં પ્રવેશ અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સાથે ભારતવર્ષના પુનર્નિર્માણ અભિયાનની શરૂઆત થાય છે, જે સંવાદિતતા, એકતા, પ્રગતિ, શાંતિ અને સૌના કલ્યાણ માટે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા એક લેખમાં ભાગવતે અયોધ્યામાં મંદિરના નિર્માણ માટે હિંદુ સમાજના લાંબા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો અને હવે આ વિવાદ પર સંઘર્ષ અને કડવાશનો અંત લાવવાનું આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વર્ષોના કાનૂની સંઘર્ષ પછી સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર, 2019એ “સત્ય અને તથ્યો”ની તપાસ કર્યા પછી અને કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી સંતુલિત ચુકાદો સંભળાવ્યો હતો. ધાર્મિક દૃષ્ટિકોણથી ભગવાન રામ દેશના બહુમતી સમાજના સૌથી વધુ પૂજ્ય દેવતા છે અને હજુ પણ સમગ્ર સમાજના આદર્શ પુરુષ છે.તેથી હવે વિવાદની તરફેણમાં અને વિરુદ્ધમાં જે સંઘર્ષ થયો છે તેનો અંત થવો જોઈએ. આ દરમિયાન જે કડવાશ ઊભી થઈ છે તેનો પણ અંત આવવો જોઈએ. સમાજના પ્રબુદ્ધ લોકોએ વિવાદનો સંપૂર્ણ અંત આવે તે સુનિશ્ચિત કરવું જોઇએ. અયોધ્યાનો અર્થ એવો થાય છે કે જ્યાં યુદ્ધ ન હોય અને સંઘર્ષ મુક્ત સ્થળ હોય.

આરએસએસ વડાએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પ્રસંગ રાષ્ટ્રીય ગૌરવની પુનઃ જાગૃતિ દર્શાવે છે.આ વિશ્વમાં અહંકાર, સ્વાર્થ અને ભેદભાવને કારણે વિનાશક ઉન્માદ છે અને તે અનંત આફતો લાવી રહ્યું છે. રામજન્મભૂમિમાં શ્રી રામ લલ્લાનો પ્રવેશ અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા સાથે ભારતવર્ષના પુનર્નિર્માણના અભિયાનની શરૂઆત છે, જે સૌના કલ્યાણ માટે, દુશ્મનાવટ વિના સૌનો સ્વીકાર તથા સૌહાર્દ, એકતા, પ્રગતિ અને શાંતિનો માર્ગ દર્શાવવા માટે છે. અમે આ અભિયાનના સક્રિય અનુયાયીઓ અને અમલકર્તા છીએ. 22 જાન્યુઆરીના ભક્તિમય ઉત્સવમાં, મંદિરના પુનર્નિર્માણની સાથે, આપણે બધાએ ભારતના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો છે અને તેના દ્વારા સમગ્ર વિશ્વના પુનર્નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે.

LEAVE A REPLY