મહારાણી એલીઝાબેથે બીજાએ તેમના શાસનની 70મી વર્ષગાંઠ નિમિત્તે એક સંદેશમાં કહ્યું હતું કે ‘’હું ઇચ્છુ છું કે પ્રિન્સ ચાર્લ્સ રાજા બને ત્યારે કેમિલા, ડચેસ ઓફ કોર્નવોલ, ક્વીન કોન્સોર્ટ તરીકે ઓળખાય. કેમિલાને તે બિરુદ મળે તેવી મારી “નિષ્ઠાવાન ઇચ્છા” છે.
રાજ્યારોહણની 70મી વર્ષગાંઠ સેન્ડ્રિંગહામ પેલેસમાં વિતાવનાર મહારાણીએ જ્યુબિલીની પૂર્વસંધ્યાએ, કેમિલાના ભાવિ શીર્ષકના વણઉકેલાયેલા પ્રશ્નને સીધો જ સંબોધિત કરી આસાન કરી દીધો હતો.”ક્વીન કોન્સોર્ટ” બિરૂદ શાસક રાજાના જીવનસાથી માટે વપરાય છે અને તેનો અર્થ એ છે કે તેમનું ભાવિ બિરુદ “ક્વીન કેમિલા” થશે. પહેલા એવા સૂચનો હતા કે કેમિલાને ‘’પ્રિન્સેસ કોન્સોર્ટ’’ તરીકે ઓળખવામાં આવશે.
ક્લેરેન્સ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’મહારાણીની ઘોષણાથી પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ સન્માનિત થયા હતા.’’ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા બંનેએ તેમના જીવનસાથી પાસેથી છૂટાછેડા લીધા હતા. તેમણે 2005માં સિવિલ મેરેજ કર્યા હતા. ચાર્લ્સે અગાઉ પ્રિન્સેસ ડાયના સાથે લગ્ન કર્યા હતા પરંતુ 1996માં તેમણે છૂટાછેડા લીધા હતા. તેના એક વર્ષ પછી પેરિસમાં કાર અકસ્માતમાં તેણીનું મૃત્યુ થયું હતું.
મહારાણીના આ નિવેદન બાદ 74 વર્ષના કેમિલા રાણી બનવાના અવરોધો હવે દૂર થયા છે. હવે નવા વર્ષથી કેમિલા ઓર્ડર ઓફ ધ ગાર્ટરના સભ્ય બનશે. સતત 70 વર્ષ સુધી શાસન કરી પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરનાર મહારાણી આટલો લાંબો સમય શાસન કરનાર પ્રથમ બ્રિટિશ રાજા છે. જૂનમાં આ પ્રસંગની શાનદાર રીતે રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવામાં આવશે. 6 ફેબ્રુઆરી 1952ના રોજ તેમના પિતા જ્યોર્જ VI ના અવસાન બાદ મહારાણી એલિઝાબેથ બીજાએ 25 વર્ષની વયે શાસન શરૂ કર્યું હતું.
95 વર્ષીય મહારાણીએ આ પ્રસંગે રાષ્ટ્રને એક લેખિત સંદેશામાં કહ્યું હતું કે “હું તમારા સમર્થન માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમે મને જે વફાદારી અને સ્નેહ આપવાનું ચાલુ રાખો છો તેના માટે હું સદાકાળ આભારી અને નમ્ર રહીશ.”
આ જ્યુબિલી ઉત્સવ ડ્યુક ઑફ એડિનબરા વગરની મહારાણીની પ્રથમ ઉજવણી હશે.આ પ્રસંગે વડા પ્રધાન બોરિસ જૉન્સને ટ્વિટર પર કહ્યું હતું કે “હું તેમની ઘણા વર્ષોની સેવાને શ્રદ્ધાંજલિ આપું છું અને ઉનાળામાં તેમના ઐતિહાસિક શાસનની ઉજવણી કરવા માટે એક દેશ તરીકે સાથે આવવા માટે ઉત્સુક છું.” ભૂતપૂર્વ વડા પ્રધાનો થેરેસા મે અને ડેવિડ કેમરને પણ મહારાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’હું 70 વર્ષની અપ્રતિમ જાહેર સેવા માટે તેમનો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેઓ છેલ્લા સાત દાયકાના ઉતાર-ચઢાવ દરમિયાન, સતત બદલાતી દુનિયામાં આપણા દેશ માટે સુરક્ષા અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરતા એક મહત્વપૂર્ણ અને મૂલ્યવાન નેતા રહ્યા છે.”