પાકિસ્તાનમાં એક કરતાં વધુ વખત બળાત્કાર કરતાં આરોપીઓનું રાસાયણિક ખસીકરણ થશે. પાકિસ્તાનની સંસદે નવો કાયદો પસાર કરીને આવી આકરી જોગવાઈ કરી છે. નવા કાયદાનો હેતુ કસૂરવાર ઠેરવવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો અને દાખલરૂપ સજા કરવાનો છે. બુધવારે સંસદના સંયુક્ત સત્રમાં ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) બિલ 2021)ને બહાલી આપવામાં આવી હતી.
દેશમાં મહિલાઓ અને બાળકો પરના રેપના કિસ્સામાં તાજેતરમાં ઉછાળો આવ્યા બાદ લોકોના વિરોધવંટોળ બાદ આ બિલ તૈયાર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જનતાએ આવા ગુનાઓને ડામવા માટે અસરકારક પગલાંની માગણી કરી હતી.
પાકિસ્તાનના પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ એન્ટી રેપ વટહુકમને મંજૂરી આપ્યાના એક વર્ષ બાદ આ ખરડો પસાર કરવામાં આવ્યો છે. વટહુકમમાં ગુનેગારની સંમતી સાથે રાસાયણિક ખસીકરણની જોગવાઈ હતી. તેમાં કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ અદાલતોની રચના કરવાની પણ જોગવાઈ હતી.
વર્તમાનપત્ર ડોનના અહેવાલ મુજબ બુધવારે સંસદના સંયુક્ત સત્રમાં ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) બિલ 2021)ને બહાલી આપવામાં આવી હતી. તેમાં પાકિસ્તાન દંડ સંહિતા 1860 અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, 1898માં સુધારો કરવાની જોગવાઈ છે.
રાસાયણિક ખસીકરણ કેવી રીતે કરવું તેના પણ નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આવી પ્રક્રિયા બાદ વ્યક્તિ આજીવન જાતિય આનંદ મેળવવા માટે સક્ષમ રહેતો નથી. બિલમાં જણાવ્યા અનુસાર રાસાયણિક ખસીકરણ દવા મારફત થશે અને તે મેડિકલ બોર્ડ મારફત કરવામાં આઆવશે.
જમાતે ઇસ્લામીનાા સેનેટર મુસ્તાક અહેમદે આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેને ઇસ્લામ અને શરિયા વિરોધી ગણાવ્યું હતું. શરિયામાં રેપિસ્ટને જાહેરમાં ફાંસીની વાત છે, પરંતુ રાસાયણિક ખસીકરણની નથી.
મીડિયા અહેવાલ મુજબ દવાના સેક્યુઅલ પ્રવૃત્તિમાં ઘટાડો કરવા દવાના ઉપયોગથી ખસીકરણ થાય છે. સાઉથ કોરિયા, પોલેન્ડ અને અમેરિકાના કેટલાંક રાજ્યો સહિતના દેશોમા રાસાયણિક ખસીકરણને કાનૂની માન્યતા મળેલી છે. ટીકાકારોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં રેપ કે જાતિય હુમલાના કુલમાંથી ચાર ટકા કેસોમાં સજા થાય છે.