શ્રીલંકામાં ચીન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પોર્ટ સીટીને પ્રોત્સાહન આપવા બદલ ડેવિડ કેમરોનને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પોર્ટ સીટી બેઇજિંગને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નોંધપાત્ર પગપેસારો કરવામાં મદદરૂપ થનાર છે.
પોલિટિકોએ ખુલાસો કર્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાન કેમરન સપ્ટેમ્બરના અંતમાં પોર્ટ સિટી કોલંબો માટેના બે ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમોમાં ભાષણ આપવા માટે મીડલ ઇસ્ટમાં અબુ ધાબી અને દુબઈ ગયા હતા અને આ વર્ષે પોર્ટની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.
આ શહેર ચાઇનીઝ પ્રમુખ શીની વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યૂહરચના બેલ્ટ એન્ડ રોડ પહેલનો મુખ્ય ભાગ છે. શ્રીલંકાના ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર દિલુમ અમુનુગામાએ પોલિટિકોને જણાવ્યું હતું કે ‘’હું માનુ છું કે વિકાસમાં સામેલ ચીની કંપનીની વિનંતી પર કેમરનને બોલાવાયા હતા. કેમેરોને મુખ્ય મુદ્દા પર ભાર મૂકવાનો પ્રયાસ કરી જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે ચીનનો નથી, તેમાં શ્રીલંકાની ભાગીદારી પણ છે. ચાઇનીઝ લોકો પણ આ હકીકત બહાર લાવવા ઇચ્છતા હતા. કેમરનને સાથે લેવાનો નિર્ણય ચીની કંપની દ્વારા લેવાયો હતો, સરકાર દ્વારા નહીં.”
કેમરનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમનો ચીનની સરકાર અથવા ભંડોળ આપતી ચીની પેઢી સાથે કોઈ સીધો સંપર્ક નથી. કેમરનની મુલાકાત વોશિંગ્ટન સ્પીકર્સ બ્યુરો, યુએસ સ્થિત એજન્સી દ્વારા આયોજિત કરાઇ હતી.