istock

ભારતમાંથી ચાલતા કોલ સેન્ટર કૌભાંડમાં ત્રણ ભારતીય મૂળના અમેરિકનો સહિત કુલ આઠ લોકોને અમેરિકાની કોર્ટે સજા ફટકારી છે. આ કૌભાંડમાં હજારો અમેરિકનો સાથે કુલ ૩૭ લાખ ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી.૩૩ વર્ષીય મોહંમદ કાઝીમ મોમીન, ૨૩ વર્ષીય મોહમદ સોઝાબ મોમીન અને ૩૦ વર્ષીય પલકકુમાર પટેલ સહિત કુલ આઠ લોકોને સજા ફટકારવામાં આવી હતી. આ ત્રણેય લોકો અમેરિકાના જ્યોર્જિયાના રહેવાસી છે. આરોપીઓને છ મહિનાથી લઇને ચાર વર્ષ ૯ માસની જેલની સજા ફટકારવામાં આવી છે. યુએસ એટર્નીના જણાવ્યા અનુસાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા તથ્યો આધારે પુરવાર થાય છે કે આ કૌભાંડ ખૂબ જ વ્યવસિૃથત રીતે ચલાવવામાં આવતું હતું. અમદાવાદમાં કોલ સેન્ટરોના નેટવર્ક દ્વારા આ કૌભાંડ ચાલતું હતું. ડેટા બ્રોકર્સ અને અન્ય સૂત્રો પાસેથી માહિતી મેળવીને કોલ સેન્ટરના ઓપરેટરો અમેરિકાના લોકોને ફોન કરીને પોતાની ઓળખ ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ(આઇઆરએસ) કે ફેડરલ પ્રોસેક્યુટર્સ તરીકે આપતા હતાં.ત્યારબાદ કોલ સેન્ટરના ઓપરેટરો અમેરિકાના લોકોને ધમકી આપતા હતા કે તે ટેક્સ કે દંડની રકમ નહી ભરે તો તેમની ધરપકડ કરવામાં આવશે, જેલની સજા કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ટેક્સ અને દંડની રકમ બેંક ખાતામાં જમા કરાવવાનું કહેતા હતાં.