અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાની રાજ્ય વિધાનસભામાં ગયા સપ્તાહે સર્વાનુમતે પસાર કરાયેલા એક ઠરાવમાં દેશની સંસદ (કોગ્રેસ) ને એવો અનુરોધ કરાયો છે કે ભારતના 1984ના શિખ વિરોધી રમખાણોને વિધિવત રીતે નરસંહાર ગણવા તેમજ એને વખોડી કાઢવામાં આવે.
કેલિફોર્નિયા વિધાનસભામાં ચૂંટાયેલા સૌપ્રથમ શિખ ધારાસભ્ય, જસમીત કૌર બૈન્સે 22મી માર્ચના રોજ આવો ઠરાવ રજૂ કર્યો હતો અને તે ગયા સપ્તાહે સોમવારે (10 એપ્રિલ) સર્વાનુમતે પસાર કરાયો હતો. એક અન્ય ધારાસભ્ય, કાર્લોસ વિલ્લાપુડુઆ ઠરાવના સહપ્રાયોજક હતા, તો ધારાસભાના એકમાત્ર હિન્દુ સભ્ય – એશ કાલરાએ પણ ઠરાવને સમર્થન આપ્યું હતુ.
ઠરાવમાં અમેરિકાની કોંગ્રેસને એવો અનુરોધ કરાયો છે કે, અમેરિકામાં વસેલો શિખ સમુદાય હજી પણ એ શિખ વિરોધી રમખાણોની શારીરિક પીડા તથા માનસિક આઘાતમાં બહાર આવી શક્યો નથી અને કોંગ્રેસે વિધિસર રીતે 1984ના ભારતના એ શિખ વિરોધી રમખાણોને વિધિસર રીતે નરસંહાર ગણવામાં આવે અને તેને વખોડી કાઢવામાં આવે.
અમેરિકન શિખ કૌકસ કમિટીના સંયોજક પ્રિતપાલ સિંઘ તેમજ અમેરિકાની અન્ય શિખ સંસ્થાઓએ આ ઠરાવ રજૂ કરવા અને પસાર કરવા બદલ કેલિફોર્નિયા વિધાનસભાના સભ્યો પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી. 2015માં પણ કેલિફોર્નિયા વિધાનસભાએ એક ઠરાવ પસાર કરી ભારતના એ શિખ વિરોધી રમખાણોને શિખોના સામુહિક નિકંદન માટેનું સુયોજિત કાવતરૂં ગણાવ્યું હતું.