બ્રિટનની કંપની કેઇર્ન એનર્જીએ ભારત સરકાર સાથેના 1.7 બિલિયન ડોલરના ટેક્સ વિવાદમાં વળતર વસૂલ કરવા માટે સરકાર વિરુદ્ધ કરેલા કેસમાં ફ્રાન્સની કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ફ્રાંસની કોર્ટે ફ્રાન્સમાં આવેલી ભારત સરકારની આશરે $24 મિલિયનની 20 પ્રોપર્ટી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જોકે ભારત સરકારે આવો કોઇ આદેશ મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો.
કેઇર્ન એનર્જીએ જણાવ્યું હતું કે ફ્રાન્સની કોર્ટે પેરિસ ખાતેની ભારત સરકારની કેટલીક પ્રોપર્ટી જપ્ત કરવાની તેની પિટિશન સ્વીકારી છે. કંપનીનો આંતરરાષ્ટ્રીય લવાદ કેસમાં 1.2 બિલિયન ડોલરના ટેક્સ કેસમાં વિજય થયો હતો અને તે સરકાર પાસેથી આ નાણાની વસૂલાત માટે પ્રયાસ કરી રહી છે.
જોકે ભારતના નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારને ફ્રાન્સની કોર્ટનો આવો કોઇ આદેશ મળ્યો નથી અને સરકાર ભારતના હિતોના રક્ષણ માટે કાનૂની વિકલ્પો અપનાવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાંસની કોર્ટે 11 જુને આ આદેશ આપ્યો હતો. આ પ્રોપર્ટીઓમાં મોટાભાગે ફ્લેટ છે અને તેને લગતી કાયદાકીય પ્રક્રિયા બુધવારે પૂરી કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન કોર્ટે ગયા ડિસેમ્બર મહિનામાં ભારત સરકારને આદેશ આપ્યો હતો કે, તે કેઇર્ન એનર્જીને 1.2 અબજ ડોલર ઉપરાંત વ્યાજ સાથે વળતર આપે. આ આદેશ ભારત સરકારે સ્વીકાર્યો નહોતો. હવે કેઇર્ન એનર્જીએ ભારત સરકારની સંપત્તિ જપ્ત કરીને આ રકમ વસુલ કરવા માટે વિદેશોની કોર્ટોમાં અપીલ કરી છે.
કંપની સરકાર પાસે પૈસા વસૂલ કરવા કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે. અને તેણે ભારત સરકારની વિદેશોમાં સ્થિત 70 બિલિયન ડોલરની પ્રોપર્ટી આ માટે ઓળખી કાઢેલી છે. દુનિયાના ઘણા દેશોમાં કેઇર્ન એનર્જીએ ભારત સરકાર સામે કેસ કર્યા છે. નિષ્ણાતોનુ માનવું છે કે, ફ્રાંસની કોર્ટના આદેશ પ્રમાણે કેઇર્ન એનર્જીને પ્રોપર્ટીની જપ્તી કરવા દેવાશે તો તેને ભારત સરકારે તેને કોર્ટમાં પડકારવી પડશે. આ અપીલનો ચુકાદો ના આવે ત્યાં સુધી ભારત સરકારે કેઇર્ન એનર્જીને બેન્ક ગેરન્ટી આપવી પડશે. કોર્ટમાં કેઇર્ન એનર્જી જીતી જશે તો આ રકમ કંપનીને મળશે.