અમેરિકા, બ્રિટન સહિત પાંચ દેશોની કોર્ટે ભારત સરકાર સામેના 1.4 બિલિયન ડોલરના ટેક્સ કેસમાં બ્રિટનની કેઇર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ પાંચ દેશોની કોર્ટે કંપનીની તરફેણમાં આવેલા આર્બિટ્રેશન ચુકાદાને માન્યતા આપી છે. તેનાથી ભારત સરકાર કંપનીને 1.4 બિલિયન ડોલર પરત નહીં આપે તો તે વિદેશમાં ભારત સરકારની એસેટ જપ્ત કરવામાં આગળ વધી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કેઇર્ન એનર્જીએ તેની તરફેણમાં આવેલા 1.4 બિલિયન ડોલરના આર્બિટ્રેશન ચુકાદાનો અમલ કરાવવા માટે નવ દેશોની કોર્ટમાં કેસ કર્યો હતો. આમાંથી અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, કેનેડા અને ફ્રાન્સની કોર્ટમાં કેઇર્ન એનર્જીનો વિજય થયો છે, એમ આ અંગે જાણકારી ધરાવતા ત્રણ વ્યક્તિએ જણાવ્યું હતું. કેઇર્ને સિંગાપોર, જાપાન, યુનાઇટેડ આરબ અમિરાત અને કેમેન આઇસલેન્ડમાં આ એવોર્ડના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરી છે. ડિસેમ્બર 2020માં નેધરલેન્ડની પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનના ત્રણ સભ્યોના ટ્રિબ્યુનલે એવો ચુકાદો આપ્યો હતો કે ભારત સરકારે કંપનીને 1.4 બિલિયન ડોલર પરત કરવા જોઇએ. આ લવાદ ચુકાદાનો અમલ કરાવવા માટે કેઇર્ને વિવિધ દેશોની કોર્ટમાં કેસ કર્યો છે.
કોર્ટ લવાદના ચુકાદાને માન્યતા આપે તે પછી કંપની તેના બાકી નાણાની વસૂતાલ માટે બેન્ક એકાઉન્ટ, વિમાન, જહાજ જેવી ભારત સરકારની એસેટ જપ્ત કરવા માટે કોર્ટમાં પિટિશન કરી શકે છે.
ભારત સરકારે અત્યાર સુધી લવાદના આ ચુકાદાનું પાલન કરવા કે તેને પડકારવા અંગે કોઇ સીધી પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ગયા સપ્તાહે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને સંકેત આપ્યો છે કે સરકાર આ ચુકાદાને પડકારશે. વિશ્વની ટોચના નાણાસંસ્થાઓ સહિતના કેઇર્નના શેરહોલ્ડર્સે લવાદના ચુકાદાનો ભારત સરકાર પાસે અમલ કરાવવા માટે કંપની પર દબાણ કરી રહ્યાં છે.
કંપનીના પ્રવક્તાનો ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો ન હતો, પરંતુ કેઇર્ને રવિવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય લવાદ ચુકાદાને એજન્ડામાં રાખીને તે આ સપ્તાહે યુકે અને બ્રિટનનના શેરહોલ્ડર્સ સાથે બેઠકો ચાલુ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે કંપની ભારત સરકાર સાથે બેઠક કરી હતી અને શેરહોલ્ડર્સના હિતના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
ટ્રિબ્યુનલે 21 ડિસેમ્બરે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ભારત સરકારે યુકે સાથેની રોકાણ સંધિનો ભંગ કર્યો છે અને તેથી જપ્ત કરવામાં આવેલા શેરના મૂલ્ય જેટલી રકમ પરત કરવા માટે બંધાયેલી છે. ભારત સરકારે પશ્ચાર્તવર્તી અસરના ટેક્સની વસૂલાત માટે કેઇર્નની ભારત ખાતેની કંપનીના શેર જપ્ત કરીને વેચી માર્યા હતા. કેઇર્ન એનર્જી આ નાણા પરત મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.