બ્રિટનની કંપની કેઈર્ન એનર્જીએ આર્બિટ્રેશન કોર્ટના આદેશ મુજબ ભારત સરકાર પાસેથી 1.2 બિલિયન ડોલર મેળવવા માટે અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કેઇર્ન એનર્જી અને ભારત સરકાર વચ્ચે ટેક્સનો વિવાદ ચાલે છે અને આર્બિટ્રેશન કોર્ટે કેઇર્નની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ ચુકાદા બાદ ભારતે કંપનીને 1.2 બિલિયન ડોલર ચુકવ્યા નથી. કેઈર્ન એનર્જીએ 12 ફેબ્રુઆરીએ અમેરિકામાં કેસ દાખલ કરીને ભારત સરકાર પરના દબાણમાં વધારો કરવા માગે છે.
ડિસેમ્બર 2020માં કેઈર્ન એનર્જીએ સિંગાપોર આર્બિસ્ટ્રેશન કોર્ટમાં પશ્વાતવર્તી ટેક્સના મુદ્દે ભારત સરકાર વિરુદ્વ જીત મેળવી હતી. ટેક્સ વિવાદના આ મામલે આર્બિસ્ટ્રેશન કોર્ટે ભારત સરકારને 1.2 બિલિયન ડોલર ઉપરાંત વ્યાજ અને દંડની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેને કારણે આ રકમ વધીને 1.4 બિલિયન ડોલરથી વધી ગઈ છે. ભારત સરકારે કંપનીને આ રકમ ચુકવી નથી.
અમેરિકાની કોર્ટમાં આ કેસ ભારત સરકાર પાસેથી બાકી લેણા વસૂલ કરવા માટેનું કેઇર્નનું પ્રથમ પગલું છે. આર્બિટ્રેશન કેસના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે જો કેઇર્નનો આ કેસમાં વિજય થશે તો વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં ભારત સરકારની મિલકતો જપ્ત કરવા તરફનું એક મહત્ત્વનું પગલું હશે.
ગયા સપ્તાહના રોઇટર્સના અહેવાલ મુજબ કેઇર્ન ભવિષ્યમાં જપ્ત કરવા માટે બેન્ક એકાઉન્ટ, એર ઇન્ડિયાના વિમાન કે જહાજો સહિતની ભારતની વિદેશી એસેટને અલગ તારવી રહી છે.
આ અંગે કેઇર્ને ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ નવ ફેબ્રુઆરીએ ટ્વીટર પોસ્ટમાં તેના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન થોમ્સને જણાવ્યું હતું કે તેઓ આગામી સપ્તાહે ભારતના નાણાપ્રધાનને મળવા માટે આતુર છે. આ વિવાદના ઉકેલ માટે ભારતના નાણામંત્રાલયના અધિકારીઓ સાથે તાજેતરમાં બેઠક પણ થઈ હતી. કેઇર્ને નેધરલેન્ડ અને ફ્રાન્સમાં પણ ભારત સામે આ ક્લેમ નોંધાવ્યો છે. આ દેશોની કોર્ટનો આદેશ મેળવીને તે ભારત સરકારની મિલકત જપ્ત કરવા માગે છે.