ભારતની કેન્દ્રીય તપાસ એજન્સીએ (CBI) બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રીસર્ચ લિમિટેડ સામે કેસ કર્યો છે. આ કંપનીઓએ ભારતીય ફેસબુક યુઝર્સના ડેટાનો ગેરકાયદે, કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કર્યો હોવાનો તેમની સામે આરોપ મૂકાયાનું અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
આ મુદ્દે પ્રાથમિક તપાસ બાદ સીબીઆઇએ આ પગલું લીધું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે ગ્લોબલ સાયન્સ રીસર્ચે thisisyourdigitallife નામની એપ બનાવી હતી. ફેસબુકે 2014માં રીસર્ચ અને એકેડેમિક હેતુ માટે તેના યુઝર્સના અમુક ડેટા એકત્ર કરવાની આ એપને મંજૂરી આપી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આ કંપનીએ તે પછી કેમ્બ્રિજ એનાલિટિકા સાથે ગુનાહિત કાવતરૂં ઘડી કોમર્શિયલ હેતુ માટે તેના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
ફેસબુકે 2016-17માં બંને કંપનીઓએ પાસેથી સર્ટિફિકેટ લીધું હતું કે thisisyourdigitallife મારફત એકત્ર કરવામાં આવેલા ડેટાનો નાશ કરવામાં આવ્યો છે. જોકે સીબીઆઇની તપાસમાં બહાર આવ્યું હતું કે આ ડેટાનો નાશ કરવામાં આવ્યો હોય તેવા પુરાવા નથી.
આ ડેટાચોરીમાં 5.62 લાખ ભારતીય યુઝર્સનો ડેટા સામેલ હોવાનું માનવામાં આવે છે. ભારતના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટાચોરી કેસની તપાસ CBI કરશે.
કેમ્બ્રિજ એનાલિટિકા યુકે સ્થિત ગૂગલ ડેટા એનાલિટિક્સ કંપની છે. કેમ્બ્રિજ સામે ડેટા મેન્યુપ્યુલેશન ટ્રિક્સની મદદથી અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જિતાડવામાં મદદ કરવાનો આરોપ મુકાયો ત્યારથી કંપની ચર્ચાસ્પદ બની હતી. ભાજપે 2019 પેટાટણી માટે કોંગ્રેસ પર કેમ્બ્રિજ એનાલિટિકાની સર્વિસ લેવાનો આરોપ લગાવ્યો હતો.