Bhupendra Patel
(PTI Photo)

ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની 16 સપ્ટેમ્બરે બપોરે શપથગ્રહણ વિધિ યોજાવાની છે, પરંતુ તે પહેલા આવી રહેલા અહેવાલ મુજબ અગાઉની રૂપાણી સરકારના તમામ પ્રધાનોને પડતા મૂકવામાં આવશે અને સંપૂર્ણપણે નો રિપીટ થીયરીનું પાલન કરવામાં આવશે. નવી કેબિનેટમાં 23 પ્રધાનોનો સ્થાન મળી શકે છે.

ભારે સસ્પેન્સ વચ્ચે શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને પ્રધાનપદ માટે ફોન કરવામાં આવ્યા છે. જેમાં નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવ્યા હતા.

અમદાવાદમાંથી મુખ્યપ્રધાન સહિત 3ને સ્થાન મળી શકે છે. 2 મહિલા ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રી, મધ્ય ગુજરાતમાંથી 5 મંત્રી, સૌરાષ્ટ્રમાંથી 7 મંત્રી, દ.ગુજરાતમાંથી 6 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તમામ જ્ઞાતિને સ્થાન અપાશે. જેમાંથી 8 પાટીદાર, 2 ક્ષત્રિય, 6 ઓબીસી, 2 SC, 3 ST, 1 જૈન ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી શકે છે.