નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના બુધવારે સાંજે મેગા પુનર્ગઠન અને વિસ્તરણ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન સહિતના 12 કેન્દ્રીય પ્રધાનોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
હર્ષવર્ધન ઉપરાંત કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ, મહિલા બાળ વિકાસના પ્રધાન દેબોશ્રી ચૌધરી, રસાયણપ્રધાન સદાનંદ ગૌડા અને શ્રમ રાજ્યપ્રધાન સંતોષ ગંગવારે, શિક્ષણ રાજ્યપ્રધાન સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી અને રતનલાલ કટારિયાએ પણ રાજીનામું આપ્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા બાદ કેન્દ્રીય સામાજિક ન્યાયપ્રધાન થાવરચંદ ગેહલોતે મંગળવારે જ રાજીનામું આપ્યું હતું. રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન અશ્વિની ચૌબે પણ રાજીનામું આપ્યું હતું. શ્રમ રાજ્યપ્રધાન સંતોષ ગંગવારે આરોગ્યના કારણોસર રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે. કેટલાંક પ્રધાનોના ખરાબ દેખાવને કારણે તેમને પડતા મૂકવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.