એનડીએ સરકારે ઘડેલા નવા નાગરિકતા સુધારા ધારાની વિરુદ્ધ સમગ્ર વિપક્ષો પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળ સતત વિરોધ રેલી અને સભા-સરઘસો યોજી રહ્યા હતા. વિવિધ પક્ષોએ અલગ અલગ અને સંગઠિત રીતે આ કાયદાનો જોરદાર વિરોધ ચાલુ રાખ્યો હતો. જો કે એમાં મમતા બેનરજી અને બસપા પ્રમુખ માયાવતી સૌથી વધુ બોલકા રહ્યાં છે.
રાજકીય પંડિતો પણ માને છે કે આ કાયદાનો અમલ કરાવવાનું કેન્દ્ર સરકાર માટે સહેલું નહીં હોય. થોડીક ઉતાવળ થઇ ગઇ છે. મમતા બેનરજી તો કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહનું નામ પાડીને સતત પડકાર ફેંકી રહ્યાં હતાં. તૃણમૂલ કોંગ્રેસ પક્ષે આ કાયદો બનવા અગાઉ ખરડા રૂપે લોકસભામાં રજૂ થયો ત્યારે પણ વિરોધ નોંધાવ્યો હતો અને કાયદો બન્યો એ દિવસથીજ સતત મમતા બેનરજી એ કાયદા વિરુદ્ધ લડત ચલાવી રહ્યાં છે.
તેમણે એક કરતાં વધુ વખત જાહેરમાં કહ્યું છે કે મારા રાજ્યમાં હું નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અને નાગરિકતા સુધારા કાયદાનો અમલ કોઇ પણ ભોગે નહીં થવા દઉં. 2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂ્ંટણી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે રીતે મમતાના ગઢમાં ગાબડું પાડ્યું તેથી મમતા ચિંતિત છે અને વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધી નાગરિકતા સુધારા ધારો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ વિરોધી લડત ચાલુ રાખવા માગે છે.