સંસદના બજેટ સત્રમાં સોમવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ, તૃણમુલ, MCP અને RJD સહિત વિપક્ષી દળો મોદી સરકારને ઘેરવા માટે લોકસભામાં ગોલી મારના બંધ કરો, દેશ કો તોડના બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા છે. દરમિયાન ભારે હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી 12 વાગે ફરી શરૂ થઈ હતી, પરંતુ ભારે હોબાળો જારી રહેતા ગૃહની કાર્યવાહી ફરી વખત 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ સાથે લોકસભામાં સાંસદોએ CAA-NRC મુદ્દે પ્રધાનમંત્રી મોદીને જવાબ આપવાની માંગ કરી છે.મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ રાષ્ટપતિ રામનાથ કોવિંદના અભિભાષણમાં CAA, NRC અને કાશ્મીરમાં પ્રતિબંધનો સમાવેશ નહીં કરવા બદલ પ્રશ્ન ઉઠાવ્યો છે. પક્ષે તેમાં સુધારા કરવાની માંગ કરી છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ શુક્રવારે સંસદ (લોકસભા અને રાજ્યસભા)ના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન પણ દેખાવો કર્યા હતા.વિપક્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા નાગરિકતા કાયદાને ગેરકાયદેસર ગણાવ્યો છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ અંગે આ મહિને સુનાવણી પણ થશે. વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓને NPR લાગુ નહીં કરવા માંગ કરવામાં આવી છે, જેઓ અગાઉથી જ નાગરિકતાનો વિરોધ કરી રહ્યા છે.
